UP Lockdown: સમગ્ર ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉન, માસ્ક ન પહેરવા પર 10 હજાર સુધીનો દંડ
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.
લખનઉઃ કોરોનાના વધતા કેસને જોતા ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે જ માસ્ક ન પહેરવા પર પ્રથમ વખત એક હજાર રૂપિયાનો દંડ અને બીજી વખત માસ્ક ન પહેરવા પર દસા હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.
નોંધનીય છે કે, દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ (Corona Cases In India) દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 217,353 લાખ નવા કેસ સામે આવ્યા છે અને સતત ત્રીજા દિવસે પણ 1,000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. આજે દેશમાં પહેલીવાર સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 217, 3353 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1185 લોકોના મોત થયા છે. જોકે 1,18,302 લોકો ઠીક પણ થયા છે. આ પહેલા બુધવારે 2,00,739 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. ગત વર્ષે 30 સપ્ટેમ્બરે દેશમાં અગિયારસોથી વધુ સંક્રમિતોના મોત થયા હતા.
ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 15 લાખની પાર પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
- કુલ કેસ- એક કરોડ 42 લાખ 91 હજાર 917
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 25 લાખ 47 હજાર 866
- કુલ એક્ટિવ કેસ - 15 લાખ 69 હજાર 743
- કુલ મોત - 1 લાખ 74 હજાર 308
11 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 72 લાખ 23 હજાર 509 ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ 88 ટકા છે. એક્ટિવ કેસ વધીને 10 ટકાથી વધુ થઈ ગયા છે. કોરોના એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારત ત્રીજા નંબરે છે. કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા ક્રમે છે.