'જેને જાતિની ખબર નથી, તે...', અનુરાગ ઠાકુરનો રાહુલ ગાંધી પર હુમલો, ભડકેલા અખિલેશ યાદવે કહી દીધી આ વાત
Anurag Thakur In lok Sabha: સંસદમાં બજેટ પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની જાતિ પૂછી હતી
Anurag Thakur In lok Sabha: સંસદમાં બજેટ પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની જાતિ પૂછી હતી. અનુરાગ ઠાકુરે કહ્યું કે જેમની જાતિની ખબર નથી તેઓ જાતિ જનગણનાની વાત કરે છે. અનુરાગ ઠાકુરના આ નિવેદનથી વિપક્ષી સાંસદો ખૂબ નારાજ થઈ ગયા અને હંગામો મચાવવા લાગ્યા હતા. જો કે અનુરાગ ઠાકુરે પોતાના બચાવમાં કહ્યું કે તેણે કોઈનું નામ નથી લીધું.
તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આ દેશમાં જે કોઈ દલિતો, પછાત લોકો અને આદિવાસીઓની વાત કરે છે તેને અપમાનનો સામનો કરવો પડે છે. હું આ ગાળાગાળીને ખુશીથી ખાઇ લઈશ. મહાભારતની વાત કરીએ તો મહાભારતમાં અર્જૂન માછલીની આંખ જોઈ રહ્યો હતો, હું પણ માછલીની આંખ જોઈ રહ્યો છું. અમે જ્ઞાતિની વસ્તી ગણતરી કરીશું. અનુરાગ ઠાકુરે મારી સાથે દૂર્વ્યવહાર કર્યો છે. તેઓએ મારું અપમાન કર્યું છે, પરંતુ હું તેમની પાસેથી માફી માંગતો નથી. હું લડાઇ લડી રહ્યો છું અને મારે તેમની પાસેથી કોઈ માફીની જરૂર નથી.
સાથે જ અખિલેશ યાદવે કહ્યું કે તેઓ પૂર્વ મંત્રી અને મોટી પાર્ટીના નેતા છે. શકુની અને દૂર્યોધન પણ આ લાવ્યા, પણ તમે જાતિ વિશે કેવી રીતે પુછી શકો છો. જાતિ પૂછી શકાતી નથી.
ઓબીસીને લઇને અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીને ઘેર્યા
હમીરપુરના બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે, રાહુલ ગાંધી માટે ઓબીસી એટલે ઓનલી ફૉર બ્રધર ઇન લૉ કમીશન છે. સૌ પ્રથમ તેમની પાસેથી LOP નો અર્થ સમજવો પડશે. તેઓ લીડર ઓફ પ્રૉપગેન્ડા નથી બનવા માંગતા. તેઓ વિરોધ પક્ષના નેતા છે. તેમણે આગળ કહ્યું, "ઓબીસી અને વસ્તી ગણતરી વિશે ઘણી વાતો કરવામાં આવે છે. જે જાતિ જાણતા નથી તે જાતિ ગણતરી વિશે વાત કરે છે. હું યાદ અપાવવા માંગુ છું કે, આ ગૃહની અંદર એક પૂર્વ વડાપ્રધાન આરજી 1 (રાજીવ ગાંધી)એ ઓબીસીને અનામત આપવાનો વિરોધ કર્યો હતો.
અનુરાગ ઠાકુરના આ નિવેદન પર ગૃહમાં થયો જબરદસ્ત હંગામો
અનુરાગ ઠાકુરે આ વાત કરતાની સાથે જ ગૃહમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. વિપક્ષના સાંસદોએ માફી માંગવાની વાત કરી હતી. આ પછી સ્પીકરે રાહુલ ગાંધીને બોલવાની તક આપી. તેમણે કહ્યું, "તમે લોકોનું ગમે તેટલું અપમાન કરી શકો છો, પરંતુ જાતિની વસ્તી ગણતરી કરાવવી પડશે."