(Source: ECI/ABP News/ABP Majha)
Nupur Sharma: નૂપુર શર્માની મુશ્કેલી વધી, આ શહેરની પોલીસે જારી કરી લુકઆઉટ નોટિસ
Lookout Notice: પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગઈ કાલે સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી હતી
Lookout Notice: પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગઈ કાલે સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી હતી અને હવે કોલકાતા પોલીસે તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરી છે. નૂપુર શર્મા વિરુદ્ધ કોલકાતામાં બે એફઆઈઆર નોંધવામાં આવી છે, જે બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે.
નોંધનીય છે કે એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ દિલ્હી પોલીસે પણ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક નિવેદનો કરવા બદલ તેમને નોટિસ મોકલવાનું મન બનાવી લીધું છે. આ પહેલા પણ દિલ્હી પોલીસે નૂપુરને કલમ 41A હેઠળ તપાસમાં જોડાવા માટે નોટિસ મોકલી છે. 18 જૂને તેણે પોલીસ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન પણ નોંધ્યું હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના IFSO યુનિટ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું હતું.
નૂપુર શર્મા વિરુદ્ધ કોલકાતામાં 10 FIR નોંધાઈ છે
પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં, નૂપુર શર્માને કોલકાતા પોલીસે 20 જૂને નારકેલડાંગા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહ્યું હતું. આ અગાઉ 25 જૂને એમહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને તેમને સમન્સ જારી કરીને બોલાવ્યા હતા પરંતુ બંને કેસમાં તેમણે આવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોલકાતાના 10 પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે.
1 જુલાઈએ સુપ્રીમ કોર્ટ લગાવી હતી ફટકાર
સુપ્રીમ કોર્ટે મોહમ્મદ પયગંબર પર ટિપ્પણી મામલે ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને સખત ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે નુપુર શર્માએ ટીવી પર સમગ્ર દેશની માફી માંગવા માટે કહ્યું હતું. ઉપરાંત, કોર્ટે કહ્યું છે કે ઉદયપુરની ઘટના તેમના કારણે બની હતી. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને કહ્યું કે તમે પોતાને વકીલ કહો છો તેમ છતાં તમે બિનજવાબદારીપૂર્વ નિવેદન આપ્ચું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સત્તાનો નશો ના થાય. એટલું જ નહી સુપ્રીમ કોર્ટે એ ટીવી ચેનલને પણ ફટકાર લગાવી હતી જેની ડિબેટમાં નૂપુર શર્માએ આ વિવાદીત નિવેદન આપ્યું હતું. કોર્ટે પૂછ્યું કે જો ચેનલના એન્કરે ભડકાવવાનું કામ કર્યું છે તો તેના વિરુદ્ધ કેસ કેમ દાખલ ના કરવો જોઇએ?
નોંધનીય છે કે નુપુર શર્મા ભાજપની પ્રવક્તા રહી ચુકી છે. તેણે તાજેતરમાં એક ટીવી ડિબેટમાં મોહમ્મદ પયંગબર વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. કુવૈત, યુએઈ, કતાર સહિતના તમામ મુસ્લિમ દેશોએ પણ તેના નિવેદનની ટીકા કરી હતી. આ પછી ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા. પયગંબર મોહમ્મદ વિશે કરેલી ટિપ્પણીને લઈને નૂપુર શર્મા વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. એટલું જ નહીં, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં તેની સામે કેસ પણ નોંધાયેલા છે. સાથે જ નુપુર શર્માએ તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.