દેશમાં કોરોના વેક્સીનેશનની ગતિ ધીમી પડતા સરકાર એક્શનમાં, જાણો વધુ વિગતો
પ્રધાનમંત્રી મોદી ઈટલીથી પરત ફરતા જ એક્શનમાં દેખાશે. જ્યાં વેક્સીનેશનની ગતિ ધીમી હશે તેવા જિલ્લાઓના જિલ્લાધિકારીઓ સાથે બેઠક કરશે.
પ્રધાનમંત્રી મોદી ઈટલીથી પરત ફરતા જ એક્શનમાં દેખાશે. જ્યાં વેક્સીનેશનની ગતિ ધીમી હશે તેવા જિલ્લાઓના જિલ્લાધિકારીઓ સાથે બેઠક કરશે. સ્વદેશ પરત ફરતા જ 3 નવેમ્બરે જિલ્લાધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી બેઠક કરશે, પ્રધાનમંત્રી ઓફિસમાંથી એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સંબંધિત રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરશે.
બેઠકમાં એવા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યાં વેક્સીનનો પહેલો ડોઝ 50 ટકાથી ઓછો અને બીજો ડોઝ આપવાની ટકાવારી ખૂબ જ ઓછી હોય. પીએમઓએ કહ્યું કે, પ્રધાનમંત્રી ઓછા રસીકરણવાળા ઝારખંડ, મણિપુર, નાગાલેંડ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય અને અન્ય રાજ્યના 40 જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે સંવાદ કરશે.
કેંદ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 3 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદી અને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં એક બેઠક બોલાવવામાં આવશે, જેમાં 11 રાજ્યોમાં રસીકરણ (Vaccination) વધારવા વિગતવાર ચર્ચા કરવામાં આવશે. જેમની વર્તમાન સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછી છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી બેઠકમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ પણ હાજરી આપવાના છે. જેમાં 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને 40 થી વધુ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ હાજર રહેશે.
ગયા સપ્તાહની શરૂઆતમાં માંડવિયાએ દેશભરમાં રસીકરણને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત અંગે તમામ રાજ્યના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી જેથી નવેમ્બરના અંત પહેલા પ્રથમ ડોઝનું ઓછામાં ઓછું 100 ટકા રસીકરણ પૂર્ણ કરી શકાય. કેન્દ્ર સરકારે 2 નવેમ્બરથી ડોર-ટુ-ડોર રસીકરણ અભિયાન શરૂ કરવાની પણ વાત કરી છે.
પીએમ મોદી તે દિવસે ડોર ટુ ડોર રસીકરણ અભિયાનને લીલી ઝંડી આપશે, જેને કેન્દ્રએ “હર ઘર દસ્તક” નામ આપ્યું છે. કેન્દ્રના ધ્યાનમાં આવ્યું છે કે બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા ઘણા રાજ્યો પ્રથમ અને બીજા ડોઝની સંખ્યામાં રાષ્ટ્રીય સરેરાશથી પાછળ છે. કેન્દ્રના ધ્યાન પર એ પણ આવ્યું છે કે લગભગ 11 કરોડ લોકો સમય મર્યાદા પૂર્ણ થવા છતાં બીજો ડોઝ લેવા માટે આગળ આવ્યા નથી.