News: લગ્નમાં શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરવો માનસિક ક્રૂરતા સમાનઃ મધ્યપ્રદેશ હાઇકોર્ટ
Madhya Pradesh Highcourt: મધ્યપ્રદેશ હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, "લગ્ન ના નિભાવવા અને શારીરિક સંબંધોનો ઈન્કાર કરવો એ માનસિક ક્રૂરતા સમાન છે."
Madhya Pradesh Highcourt: મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે લગ્ન ના નિભાવવા અને શારીરિક સંબંધોનો ઈનકાર કરવો એ માનસિક ક્રૂરતા છે અને છૂટાછેડા માટે માન્ય આધાર છે. જસ્ટિસ શીલ નાગૂ અને જસ્ટિસ વિનય સરાફની ખંડપીઠે 3 જાન્યુઆરીના રોજ એક પુરુષના છૂટાછેડા આધાર પર મંજૂર કર્યા હતા કારણ કે તેની પત્નીએ 2006માં વિવાદ બાદ લગ્ન નિભાવવા અને શારીરિક સંબંધો બાંધવાનો ઇનકાર કર્યો હતો.
મધ્યપ્રદેશ હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, "લગ્ન ના નિભાવવા અને શારીરિક સંબંધોનો ઈન્કાર કરવો એ માનસિક ક્રૂરતા સમાન છે." તેના પતિ તરફથી કરવામાં આવેલી અરજી અનુસાર તેના લગ્ન જુલાઈ 2006માં થયા હતા. જો કે, તેની પત્નીએ સાથે રહેવા અને લગ્ન નિભાવવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેણીને લગ્ન માટે મજબૂર કરવામાં આવી હતી.
મહિલાએ કથિત રીતે તેના પતિને કહ્યું કે તે કોઈ બીજાને પ્રેમ કરે છે. તેણે તેના પતિને તેના પ્રેમી સાથે મુલાકાત કરાવવાની વિનંતી પણ કરી હતી. અરજદારે કહ્યું કે તે એ મહિનામાં કામ માટે અમેરિકા ગયો હતો. સપ્ટેમ્બરમાં તેની પત્ની તેના માતા-પિતાના ઘરે ગઈ હતી અને ક્યારેય પાછી ફરી ન હતી.
પતિએ 2011માં ભોપાલની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે તેને 2014માં ફગાવી દીધી હતી. આ પછી તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે ઘણા પ્રસંગોએ મહિલાએ લગ્ન નિભાવવા અને પતિ સાથે શારીરિક સંબંધો રાખવાનો ઈન્કાર કર્યો હતો.
ખંડપીઠે કહ્યું હતું કે "અમે સમજીએ છીએ કે કોઈ પણ શારીરિક અક્ષમતા અથવા માન્ય કારણ વગર લાંબા સમય સુધી શારીરિક સંબંધો બાંધવાનો એક તરફી ઇનકાર માનસિક ક્રૂરતા સમાન હોઇ શકે છે. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને ખોટો ગણાવીને રદ કર્યો હતો.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, "અરજીકર્તાએ લગ્ન કર્યા હતા. તે પહેલાથી જ નક્કી હતું કે તે ટૂંક સમયમાં ભારત છોડી દેશે. આ સમયગાળા દરમિયાન અરજદારને અપેક્ષા હતી કે પત્ની લગ્ન નિભાવવા માટે રાજી થઇ જશે પરંતુ તેણીએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો અને ચોક્કસપણે તેનું આ કૃત્ય માનસિક ક્રૂરતા સમાન છે."