Nitesh Rane Convicted: એન્જિનિયર પર કાદવ ફેંકવા મામલે મંત્રી નિતેશ રાણે દોષિત જાહેર, કોર્ટે સંભળાવી સજા
Nitesh Rane Convicted: જોકે, કોર્ટે રાણેની સજાને સ્થગિત કરી હતી અને તેમને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે સમય આપ્યો હતો, જ્યારે આ કેસમાં અન્ય 29 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
Nitesh Rane Convicted: મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા નિતેશ રાણેને 2019ના ચર્ચાસ્પદ "કાદવ કાંડ" માં સિંધુદુર્ગની એક કોર્ટે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેમને એક મહિનાની જેલની સજા ફટકારી હતી, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે કાયદો બનાવનારાઓએ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. જોકે, કોર્ટે રાણેની સજાને સ્થગિત કરી હતી અને તેમને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવા માટે સમય આપ્યો હતો, જ્યારે આ કેસમાં અન્ય 29 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
એક સમાચાર એજન્સી અનુસાર, આ ઘટના 4 જૂલાઈ, 2019ના રોજ બની હતી, જ્યારે નિતેશ રાણે કોંગ્રેસના ધારાસભ્ય હતા. રાણે મુંબઈ-ગોવા હાઇવે પહોળો કરવાના પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામની નબળી ગુણવત્તા અને તેના પરિણામે રસ્તાઓ પર પાણી ભરાવાથી નારાજ હતા.તેમણે NHAIના એન્જિનિયર પ્રકાશ શેડેકરને કંકાવલી નજીકના એક પુલ પર બોલાવ્યા અને તેમના સમર્થકો સાથે મળીને તેમના પર કાદવવાળું પાણી ફેંક્યું. વધુમાં એન્જિનિયરને કાદવમાં ચાલવા માટે મજબૂર કરાયા હતા.
આ પછી ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણે સહિત 30 લોકો પર રમખાણો, સરકારી કર્મચારીને તેમની ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો અને ગુનાહિત કાવતરું કરવાનો આરોપ મૂકવામાં આવ્યો. કોર્ટે નિતેશ રાણેને ભારતીય દંડ સંહિતાની કલમ 504 (શાંતિનો ભંગ કરવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ દોષિત ઠેરવ્યા અને તેમને એક મહિનાની જેલની સજા ફટકારી હતી.
આ કેસમાં અન્ય 29 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, રમખાણો અને સરકારી કર્મચારીને ફરજ બજાવતા અટકાવાની વધુ ગંભીર કલમો હેઠળ અપૂરતા પુરાવાને કારણે રાણેને તે આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ મમતા બેનર્જીની મુશ્કેલી વધી: SC વિરુદ્ધ ટિપ્પણી બદલ આયોગની નોટિસ, 3 દિવસમાં માંગ્યો રિપોર્ટ
કોર્ટની કડક ટિપ્પણી
કેસની સુનાવણી કરતા એડિશનલ સેશન્સ જજ વી.એસ. દેશમુખે રાજકારણીઓના વર્તન પર કડક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, "રાણેનો હેતુ કામની નબળી ગુણવત્તા અને જનતાને થતી અસુવિધા સામે અવાજ ઉઠાવવાનો હોવા છતાં તેમણે જાહેરમાં સરકારી કર્મચારીનું અપમાન ન કરવું જોઈએ."
ન્યાયાધીશે કહ્યું હતું કે , "જો આવી ઘટનાઓ બનતી રહેશે તો સરકારી કર્મચારીઓ તેમની ફરજોનું ગૌરવ સાથે પાલન કરી શકશે નહીં. આ કૃત્યને સત્તાનો દુરુપયોગ ગણાવતા કોર્ટે કહ્યું કે આવી પ્રવૃતિઓને રોકવાનો સમય આવી ગયો છે. રેકોર્ડ પરના પુરાવાઓની તપાસ કર્યા પછી કોર્ટે કહ્યું કે ફરિયાદી NHAIમાં ઉચ્ચ પદ પર હતા. તેમ છતાં તેમને જાહેરમાં કાદવવાળા પાણીમાં ચાલવાની ફરજ પાડવામાં આવી હતી. આનાથી તેમનું અપમાન થયું હશે.
ન્યાયાધીશે ઠરાવ્યું કે એન્જિનિયર શેડેકરને કાદવવાળા પાણીમાં ચાલવાની ફરજ પાડવી એ ફરિયાદીનું ઇરાદાપૂર્વક અપમાન હતું અને ઉશ્કેરણીનું કૃત્ય હતું જેનાથી સાર્વજનિક શાંતિ ભંગ થવાનો ખતરો હતો.






















