ડિવોર્સ મામલે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, પૂર્વ પતિને ભરણપોષણ પેટે દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાનો મહિલાને આદેશ
ઔરંગાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ ભારતી ડાંગરેની ખંડપીઠે આ મામલામાં નાંદેડની નીચલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો.
ઔરંગાબાદઃ તમે સમાચાર સાંભળ્યા જ હશે કે અદાલતે પતિને પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. પરંતુ ઔરંગાબાદમાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે એક મહિલાને તેના પૂર્વ પતિને 3,000 રૂપિયાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મહિલા જ્યાં શિક્ષિકા તરીકે કામ કરે છે તે શાળાને પણ નિર્દેશ આપ્યો છે કે મહિલાના પગારમાંથી દર મહિને 5,000 રૂપિયા કાપીને કોર્ટમાં જમા કરવામાં આવે. આ પાછળનું કારણ એ છે કે કોર્ટના આદેશ છતાં મહિલાએ ઓગસ્ટ 2017થી તેના વિખૂટા પતિને ભરણપોષણ ચૂકવ્યું નથી. આ આદેશ આપતાં હાઈકોર્ટે મહિલાની એ દલીલને પણ ફગાવી દીધી હતી કે તેણી તેના પતિથી છૂટાછેડા લઈ ચૂકી છે અને ત્યાર બાદ ભરણપોષણ ચૂકવવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
મહિલાના પગારમાંથી મહિને 5 હજાર રૂપિયા કાપવામાં આવે
ઔરંગાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ ભારતી ડાંગરેની ખંડપીઠે આ મામલામાં નાંદેડની નીચલી કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. ઓગસ્ટ 2017માં નાંદેડ ખાતેના સેકન્ડ જોઈન્ટ સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટે મહિલાને ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી તેના પૂર્વ પતિને દર મહિને રૂ. 3,000 વચગાળાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો કારણ કે તેની આર્થિક સ્થિતિ સારી નથી અને મહિલા શાળામાં શિક્ષિકા તરીકે કામ કરે છે. જ્યારે મહિલાએ આ આદેશનું પાલન કર્યું નહી ત્યારે કોર્ટે ડિસેમ્બર 2019માં તેની શાળાના મુખ્ય શિક્ષકના નામે મહિલાના પગારમાંથી દર મહિને 5000 રૂપિયા કાપીને કોર્ટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો કારણ કે તેણે ચૂકવણી પણ કરી નહોતી.
છૂટાછેડા પછી પણ ભથ્થું મળી શકે છે
મહિલાએ આ આદેશ સામે ઔરંગાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેણે પોતાની દલીલમાં કહ્યું કે તેના લગ્ન 1992માં થયા હતા, પરંતુ થોડા સમય બાદ તે અલગ થઈ ગઈ હતી. 2015માં તેમના છૂટાછેડા પણ કોર્ટે મંજૂર કર્યા હતા. નાંદેડ સિવિલ જજનો આદેશ છૂટાછેડાનો હુકમ પસાર થયા બાદ આવ્યો, જે કાયદાની દૃષ્ટિએ સારું નથી. તેના પર પતિ વતી હિંદુ મેરેજ એક્ટની કલમ 25ને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પતિ કે પત્નીની આર્થિક સ્થિતિને જોતા કોર્ટ તેમાંથી કોઈના ભરણપોષણ આપવાનો આદેશ આપી શકે છે અને આ આદેશ તેમની વચ્ચે છૂટાછેડા થયા છતાં પ્રભાવિત થતો નથી.
હાઈકોર્ટે નાંદેડ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો
ઔરંગાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે હિંદુ મેરેજ એક્ટની કલમ 24 અને 25 એકસાથે વાંચવાથી જાણકારી મળે છે કે જો પતિ-પત્નીમાંથી કોઇ એકની આર્થિક સ્થિતિ સારી નથી અને બીજાની આર્થિક સ્થિતિ સારી છે તો પ્રથમ ભરણપોષણની માંગણી કરી શકે છે. આ ભથ્થું કેસના અંતિમ નિર્ણય સુધી અથવા કાયમ માટે પણ હોઈ શકે છે. હાઈકોર્ટે કહ્યું કે હાલના કેસમાં પતિની ભરણપોષણની માંગ પર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. ત્યાં સુધી મહિલાને પૂર્વ પતિને દર મહિને 3,000 રૂપિયા વચગાળાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે નાંદેડ કોર્ટનો નિર્ણય બિલકુલ સાચો છે.