Maharashtra Governor : મહારાષ્ટ્રના રાજ્યપાલે કર્યો ધડાકો, PM મોદી સાથેની મુલાકાતને લઈ કહ્યું કે...
રાજભવન દ્વારા આજ રોજ એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે.
Maharashtra Governor News: ભગતસિંહ કોશ્યારીએ સૌકોઈના આશ્ચર્ય વચ્ચે અચાનક જ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું હતું કે, મેં પીએમને તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવાની મારી ઈચ્છા જણાવી દીધી છે. રાજભવન દ્વારા આજ રોજ એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે.
રાજ્યપાલે ભગતસિંહ કોશ્યારીએ કહ્યું હતું કે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી)ને તેમની તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન રાજકીય જવાબદારીઓમાંથી રાજીનામું આપવાની ઈચ્છા વિશે જણાવ્યું હતું.
રાજ્યપાલ કોશ્યારીએ તેમનું બાકીનું જીવન વાંચન, લેખન અને અન્ય મનોરંજન પ્રવૃત્તિઓમાં વિતાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે તેમ રાજભવન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે. મીડિયાને આપેલા નિવેદનમાં કોશ્યારીએ કહ્યું હતું કે, મારા માટે સંતો, સમાજ સુધારકો અને બહાદુર લડવૈયાઓની ભૂમિ - મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યના રાજ્ય સેવક કે રાજ્યપાલ તરીકે સેવા આપવી એ મારા માટે સંપૂર્ણ સન્માન અને સૌભાગ્યની વાત છે.
"મહારાષ્ટ્રના લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો"
નિવેદનમાં રાજ્યપાલે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમય દરમિયાન મહારાષ્ટ્રના લોકો તરફથી મળેલા પ્રેમ અને સ્નેહને હું ક્યારેય નહીં ભૂલી શકું. માનનીય વડાપ્રધાન તરફથી મને હંમેશા પ્રેમ અને સ્નેહ મળ્યો છે. ઉલ્લેખની છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી ઘણા નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યાં છે. વિપક્ષે પણ તેમના પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
છત્રપતિ શિવાજી પર આપવામાં આવેલા નિવેદનને લઈને થયો હતો વિવાદ
તાજેતરમાં જ તેમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ વિપક્ષની સાથે રાજ્ય સરકારના ઘણા નેતાઓએ તેમની ટીકા કરી હતી. રાજ્યપાલ કોશ્યારીએ ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ "જૂના જમાનાના" આઈકોન હતા. રાજ્યમાં આઇકોન્સ વિશે વાત કરતાં તેમણે બાબાસાહેબ આંબેડકર અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, પહેલાં જ્યારે તમને પૂછવામાં આવતું કે તમારું આઇકન કોણ છે? તો જવાબ હતો જવાહરલાલ નેહરુ, સુભાષ ચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધી. પરંતુ તમારે મહારાષ્ટ્રમાં ક્યાંય બીજે નજર દોડાવવાની જરૂર નથી કારણ કે ત્યાં પુષ્કળ આઈકોન રહેલા છે. છત્રપતિ શિવાજી મહારાજ જૂના જમાનાના છે, તો આંબેડકર અને નીતિન ગડકરી પણ વર્તમાન સમયના છે.
મુંબઈ પર કરવામાં આવેલા નિવેદનને લઈને મચ્યો હતો હોબાળો
આ અગાઉ પણ ભગતસિંહ કોશ્યારીના એક નિવેદનને લઈને હોબાળો થયો હતો. જુલાઈ 2022માં તેમણે કહ્યું હતું કે, જો મહારાષ્ટ્રમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ હટી જાય તો મુંબઈ દેશની આર્થિક રાજધાની તરીકેનો દરજ્જો જ ગુમાવી બેસશે. તેમની આ ટિપ્પણી પર તમામ પક્ષોએ આકરી પ્રતિક્રિયા આપી હતી. બાદમાં તેમણે માફી માગતા કહ્યું હતું કે, કદાચ મેં મુંબઈના વિકાસમાં અમુક સમુદાયોના યોગદાનની કદર કરવામાં ભૂલ કરી છે.