Haharashtra : કોના કહેવાથી રાતોરાત ભાજપ સાથે સરકાર બનાવી? અજીત પવારે ફોડ્યો બોમ્બ
ધારાસભ્ય અનિલ પાટીલે દાવો કર્યો હતો કે, પાર્ટીના 53માંથી 40 ધારાસભ્યો અજિત પવારના સમર્થનમાં છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજીત પવારે સનસનાટીપૂર્ણ દાવો કર્યો હતો.
Maharashtra NCP Crisis : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા બુધવારે મુંબઈમાં બોલાવવામાં આવેલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની બેઠકમાં પાર્ટીના 53માંથી લગભગ 35 ધારાસભ્યોએ હાજરી આપી હતી. આ સંખ્યા વધી પણ શકે છે. ધારાસભ્ય અનિલ પાટીલે દાવો કર્યો હતો કે, પાર્ટીના 53માંથી 40 ધારાસભ્યો અજિત પવારના સમર્થનમાં છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજીત પવારે સનસનાટીપૂર્ણ દાવો કર્યો હતો.
આ મીટિંગ દરમિયાન અજિત પવારે કહ્યું હતું કે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનવાના હતા ત્યારે શરદ પવારે અમને કહ્યું હતું કે, તમારે શપથ ગ્રહણ સમારોહમાં જવું પડશે. હું બધા સાથે શપથ સમારોહ માટે ગયો હતો. જો હું ખોટું બોલી રહ્યો તો હું મારા બાપનો દીકરો નહીં.
નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્યું હતું કે, 'હું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા માગું છું જેથી લોક કલ્યાણ માટેની મારી કેટલીક યોજનાઓ લાગુ કરી શકાય.' તેમણે કહ્યું, શરદ પવાર અમારા ભગવાન છે, અમે તેમના આશીર્વાદ માંગીએ છીએ.
અજીત પવારે ભૂતકાળમાં ભાજપ સાથે હાથ મિલાવવાની ઘટનાને લઈ ખુલાસો કર્યો હતો. તો શરદ પવારનો સાથ છોડીને અજીત પવાર સાથે વર્તમાન સરકારમાં શામેલ થનારા એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે, જ્યારે મહારાષ્ટ્રમાં MVA સરકાર પડવાની હતી ત્યારે NCPના તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ શરદ પવારને ભાજપ સાથે જવા માટે વિનંતી કરી હતી.
પ્રફુલ પટેલ ઉપરાંત અજીત પવારે પણ આ મામલે કહ્યું હતું કે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે શરદ પવારે જ અમને કહ્યું હતું કે, તમારે શપથગ્રહણ સમારોહમાં જવાનું છે. આમ તેમના કહેવાથી જ હું અન્ય લોકો સાથે આ શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થયો હતો. આ વાતની ખરાઈ માટે તેમણે વિશ્વાસ સાથે કહ્યું હતું કે, જો હું આ બાબતે ખોટું બોલતો હોય હું મારા પિતાનું સંતાન નથી.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અજીત પવારે રાતોરાત ભાજપ સાથે હાથ મિલાવી લીધા હતાં. અજીત પવાર ડેપ્યુટી મુખ્યમંત્રી બન્યા હતાં તો દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતાં. આ આખો રાજકીય ખેલ કોણે પાડેલો તેને લઈને આજે પણ ચર્ચા થઈ રહી છે. પરંતુ આજે અજીત પવારે ખુદ સામે ચાલીને આ મામલે ખુલાસો કર્યો હતો. તેમના આ ખુલાસાથી શરદ પવાર તરફ આંગળી ચિંધાઈ રહી છે.