અંતિમ વિદાઈ: મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચતત્વમાં વિલીન, ચંદીગઢમાં રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર
ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા છે. ચંદીગઢના સેક્ટર-25ના સ્મશાન ઘાટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મિલ્ખા સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.
ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા છે. ચંદીગઢના સેક્ટર-25ના સ્મશાન ઘાટમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મિલ્ખા સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ દરમ્યાન કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજિજૂ, પંજાબના રાજ્યપાલ તેમજ પંજાબ સરકારના અનેક પ્રધાનો, ધારાસભ્યો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ પહેલા મિલ્ખા સિંહના નિવાસસ્થાનેથી નીકળેલી તેમની તેમની અંતિમયાત્રામાં અનેક લોકો જોડાયા હતાં. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે મિલ્ખા સિંહના નિવાસસ્થાને જઇને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મિલ્ખા સિંહના નિધનને પગલે પંજાબમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
કોરોનાવાયરસ સંક્રમણને કારણે શુક્રવારે રાત્રે ચંદીગઢની એક હોસ્પિટલમાં 91 વર્ષની વયે મિલ્ખા સિંહનું નિધન થયું હતું. મિલ્ખા સિંહનું શુક્રવારે 18 જૂનના રોજ અવસાન થયું હતું. બે દિવસ પહેલા તબિયત લથડતાં તેમને ચંડીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચનાં કોવિડ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા હતાં.
મિલ્ખાસિંહના પરિવાર તરફથી શુક્રવારે મોડી રાત્રે એક નિવેદન બહાર પાડીને તેમના મોતની જાણકારી આપવામાં આવી હતી. પરિવારે જારી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ખૂબ જ દુઃખની વાત સાથે જણાવવામાં આવે છે કે, 18 જૂન, 2021 ને શુક્રવારે રાત્રે 11.30 વાગ્યે મિલ્ખા સિંહજીનું અવસાન થયું છે.
કોરોના વાયરસ સંક્રમણ પછી મિલ્ખા સિંઘને ઓક્સિજનની સમસ્યા શરૂ થઈ. 91 વર્ષીય મિલ્ખા સિંહ ગયા બુધવારે માત્ર કોરોનાવાયરસ સંક્રમણથી નેગેટિવ આવી ગયા હતા.
મિલ્ખા સિંહની પત્ની નિર્મલા કૌર (85) નું પણ રવિવારે ચંદીગઢની એક જ હોસ્પિટલમાં નિધન થયું હતું. કૌર દેશની મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન રહી ચૂક્યા હતા. કોરોના વાયરસ સંક્રમણને લીધે ઘરે થોડા દિવસ રહ્યા બાદ 3 જૂને તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મિલ્ખાસિંહના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે સહિત નેતાઓ, અભિનેતાઓએ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કરીને સ્વર્ગસ્થ મિલ્ખાસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.