(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકારે કઈ 39 દવાઓના ભાવોમાં કર્યો ઘટાડો ? સામાન્ય લોકો માટે આશિર્વાદરૂપ દવાઓ શાની સારવારમાં વપરાય છે ?
કેન્દ્ર સરકારે જે 39 દવાઓની કિંમત ઘટાડી છે તેમાં કેન્સર વિરોધી, ડાયાબિટીસ પ્રતિરોધક, એન્ટિ વાઇરલ, એન્ટિ બેક્ટેરિયલ, ટીબી વિરોધી દવાઓ ઉપરાંત બીજી દવાઓનો સમાવેશ થાય છે.
નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક બહુ મોટો નિર્ણય લઈને આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીમાં ફેરફાર કર્યો છે. મોદી સરકારે આ નિર્ણય દ્વારા વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી 39 દવાઓની કિંમત ઘટાડી છે. કેન્દ્ર સરકારે જે 39 દવાઓની કિંમત ઘટાડી છે તેમાં કેન્સર વિરોધી, ડાયાબિટીસ પ્રતિરોધક, એન્ટિ વાઇરલ, એન્ટિ બેક્ટેરિયલ, ટીબી વિરોધી દવાઓ ઉપરાંત બીજી દવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક દવાઓનો ઉપયોગ કોરોનાની સારવારમાં પણ થાય છે.
બીજી તરફ એનએલઇએમ યાદી પર કામ કરી રહેલા નિષ્ણાતોએ પહેલાં રાહત દરે અપાતી હતી એવી દવાઓને આ યાદીમાંથી હટાવી છે. ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (આઇએમઆરસી) દવાઓના ભાવ પર અંકુશ લાવવા લાંબા સમયથી કામ કરી રહ્યું છે અને તેની ભલામણના આધારે આ નિર્ણય લેવાયો છે.
સામાન્ય લોકો દ્વારા વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓને ભાવ ટોચમર્યાદા હેઠળ લાવવામાં આવી છે. આ દવાઓમાં સુગર વિરોધી દવા ટેનેલિગલિપ્ટિન, લોકપ્રિય ટીબી વિરોધી દવાઓ અને કોવિડની સારવારમાં લેવાતી દવા આઇવરમેક્ટિન, ટોટાવાઇરસ વેક્સિન અને અન્ય સામેલ છે.
કેન્દ્ર સરકારે આવશ્યક દવાઓની યાદીમાં સુધારો કરવાનું શરૂ કર્યુ હતુ અને આ નિયમ હેઠળ 2015માં સુધારેલી યાદી અધિસૂચિત કરવામાં આવી હતી. એ પછી કેટલીક દવાઓને 2016માં ભાવ ટોચમર્યાદા હેઠળ લાવવામાં આવી હતી. એ પછી દવાઓ અંગેની સ્થાયી રાષ્ટ્રીય સમિતિને આ યાદી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું કઇ દવાઓ પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવે તેનો નિર્ણય આર્ યાદીના આધારે લેવાય છે.
આરોગ્ય સંશોધન વિભાગના સચિવ અને આઇસીએમઆરના ડાયરેક્ટર બલરામ ભાર્ગવની અધ્યક્ષતાવાળી સમિતિ, નીતિ આયોગના વરિષ્ઠ અધિકારીઓ, આરોગ્ય સચિવ અને ફાર્માસ્યુટિકલ વિભાગના સચિવવાળી બીજી સમિતિ આ પ્રકારની યાદી મોકલે છે. બીજી સમિતિ એ નક્કી કરે છે કે કઇ દવાઓને ભાવ ટોચમર્યાદા હેઠળ લાવવામાં આવે. સામાન્ય લોકો માટે આ નિર્ણય રાહતભર્યો સાબિત થશે