Monkeypox: મંકીપોક્સ ટેસ્ટની પ્રથમ સ્વદેશી કિટ થઈ લોન્ચ, જાણો કોણે બનાવી
Monekypox Test Kit: આ કિટનું કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કુમાર સૂદ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું.
Monkeypox Test Kit: આંધ્રપ્રદેશના મેડટેક ઝોનમાં શુક્રવારે મંકીપોક્સની તપાસ માટે સ્વદેશી બનાવટની પ્રથમ RT PCR કીટ રજૂ કરવામાં આવી હતી. ટ્રાન્સ એશિયા બાયો મેડિકલ્સ દ્વારા વિકસિત આ કિટનું કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર અજય કુમાર સૂદ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કિટ અત્યંત સંવેદનશીલ છતાં ઉપયોગમાં સરળ છે. ટ્રાન્સ એશિયાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ સુરેશ વઝીરાનીએ કહ્યું કે આ કીટની મદદથી ઈન્ફેક્શનને વહેલું શોધી શકાય છે. ભારતમાં મંકીપોક્સના અત્યાર સુધીમાં 10 કેસ નોંધાયા છે.
મંકીપોક્સના કેટલા નોંધાયા છે કેસ
WHO એ વિશ્વભરમાં મંકીપોક્સના કેસમાં વધારા અંગે ચેતવણી આપી છે. મંકીપોક્સના કેસોમાં પાછલા સપ્તાહમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, 92 દેશોમાંથી 35,000 થી વધુ ચેપ અને 12 મૃત્યુ નોંધાયા છે. WHOના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, "ગયા અઠવાડિયે લગભગ 7,500 કેસ નોંધાયા હતા, જે પાછલા સપ્તાહની સરખામણીએ 20 ટકા વધુ છે, જે બીજા અઠવાડિયા પહેલા કરતા 20 ટકા વધુ હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, મંકીપોક્સ એ એક વાયરસ છે જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે અને તેના લક્ષણો શીતળા જેવા જ છે, જો કે આ રોગ તબીબી રીતે ઓછો ગંભીર છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડી છે માર્ગદર્શિકા
મંકીપોક્સની વધતી અસરને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. માર્ગદર્શિકામાં મંકીપોક્સથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે જણાવ્યું હતું.
શુ કરવું
- મંત્રાલયે સંક્રમિત દર્દીઓથી દૂર રહેવા સૂચના આપી છે
- તમે ચેપગ્રસ્ત વ્યક્તિની આસપાસ હોવ તો માસ્ક પહેરો અને ગ્લોવ્ઝનો ઉપયોગ કરો.
- સાબુ અથવા સેનિટાઈઝર વડે હાથ ધોવાનું ચાલુ રાખો.
- મંકીપોક્સથી સંક્રમિત દર્દી સાથે સેક્સ ન કરો
શું ન કરવું
- મંકીપોક્સના દર્દીના સંપર્કમાં આવેલા કોઈપણ વ્યક્તિ સાથે તમારો ટુવાલ શેર કરશો નહીં
- ચેપગ્રસ્ત વ્યક્તિના કપડા સાથે તમારા કપડા ધોવા નહીં
- જો તમને લક્ષણો હોય તો કોઈપણ જાહેર કાર્યક્રમ કે સભામાં ન જશો. ખોટી માહિતીના આધારે લોકોને ડરાવશો નહીં
- તમારા કપ અને ખોરાકને મંકીપોક્સના દર્દી સાથે શેર કરશો નહીં
મંકીપોક્સ શું છે?
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, શરૂઆતમાં ઘણા વાંદરાઓમાં આ વાયરસ હોવાની પુષ્ટિ થઈ હતી. વર્ષ 1958માં તેનું નામ મંકીપોક્સ હતું. મંકીપોક્સનો પહેલો કેસ 1970માં કોંગોમાં નવ મહિનાની બાળકીમાં જોવા મળ્યો હતો. મંકીપોક્સના મોટાભાગના કેસો મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. અહીંના લોકો અહીંના પ્રાણીઓથી સંક્રમિત થાય છે. અહીં મુસાફરી કરનાર કોઈપણ વ્યક્તિને મંકીપોક્સ પણ થઈ શકે છે. તેના લક્ષણો છે તાવ, ગંભીર માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને કમરનો દુખાવો.