Monsoon: કેરળમાં બે દિવસ વહેલા થઈ ચોમાસાની એન્ટ્રી, ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ ? જાણો
સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી કરાઈ છે ત્યારે ચોમાસાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે.
Monsoon Forecast : સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી કરાઈ છે ત્યારે ચોમાસાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેરળના ચોમાસાની એન્ટ્રી થઈ છે. સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થાય છે પરંતુ આ વખતે બે દિવસ વહેલા ચોમાસુ કેરળ આવી પહોંચ્યું છે. ગુજરાતમાં બે-ત્રણ દિવસથી પવન ફૂંકાઈ રહ્યો હોવાથી તાપમાનમાં થોડી રાહત મળી છે, પરંતુ ચોમાસાના આગમનમાં હજુ એક પણ અંદાજે એક મહિના જેટલો સમય લાગી શકે છે.
બિહારથી લઈને દિલ્હી-એનસીઆર સુધી ભારે ગરમીનો કહેર છે. સમગ્ર ઉત્તર ભારત ગરમીથી ત્રસ્ત છે. કાળઝાળ ગરમીમાંથી રાહતના સમાચાર આવ્યા છે. હા, કેરળમાં ચોમાસું આવી ગયું છે. IMDએ સત્તાવાર રીતે તેની જાહેરાત કરી છે. કેરળમાં ચોમાસું સમયના બે દિવસ પહેલા આવી ગયું છે. કેરળના અનેક શહેરોમાં ભારે વરસાદ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ચક્રવાત રેમલના કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળના તટ અને ઉત્તર-પૂર્વના કેટલાક ભાગોમાં સમય પહેલા પહોંચી ગયું હતું.
રાજ્યમાં અમદાવાદ સહિતના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર છે. રાજ્યમાં કેરળની ઈફેક્ટના કારણે ચોમાસુ થોડું વહેલું આવી શકે છે. ચોમાસા પહેલા કેટલાક શહેરોમાં ભારે પવન ફૂંકાઈ શકે અને વાવાઝોડું આવવાની પણ શક્યતા છે.
IMD એ કેરળમાં 31 મેના રોજ ચોમાસાના આગમનની આગાહી કરી હતી. જો કે કેરળમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગંભીર પૂર અને કેટલાક જળાશયોમાંથી પાણી છોડવામાં આવ્યું છે.
ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ ચોમાસું વહેલું છે. સામાન્ય રીતે 2 થી 5 જૂનની વચ્ચે આવે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી ઉપર ચોમાસાની બંને સિસ્ટમ મજબૂત હોવાથી કેરળ અને પૂર્વ ભારતના વિસ્તારોમાં એક સાથે આગળ વધવું શક્ય બન્યું છે.
ગુજરાતની વાત કરીએ તો, કેરળમાં બે દિવસ વહેલુ ચોમાસું પહોંચતા હવે મહારાષ્ટ્રમાં પણ 7-8 તારીખ સુધીમાં ચોમાસું વરસાદ પહોંચી શકે છે. આ અંતર્ગત ગુજરાતમાં 15 જૂનને બદલે 10 થી 13 તારીખ સુધીમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે.
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ઘરમાંથી બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યું છે. લોકો ગરમીથી બચવા માટે ઘરમાં જ રહે છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પણ પાર પહોંચી ગયું છે.