બે મહિનામાં 90 ટકાથી વધુ દર્દી, મુંબઈની ઉંચી બિલ્ડિંગોમાં કેમ મળી રહ્યા છે સૌથી વધુ કોરોના સંક્રમિત ?
મુંબઈમાં આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં સામે આવેલા કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસમાંથી ઓછામાં ઓછા 90 ટકા ઉંચી ઉમારતોમાં રહેતા લોકો સાથે જોડાયેલા છે.
મુંબઈ: દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટમાં દેશમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. મુંબઈમાં આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં સામે આવેલા કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસમાંથી ઓછામાં ઓછા 90 ટકા ઉંચી ઉમારતોમાં રહેતા લોકો સાથે જોડાયેલા છે. જ્યારે અન્ય 10 ટકા ઝુપડપટ્ટી અને ચાલમાં રહેતા લોકો છે. બ્રૃહ્નમુંબઈ મહાનગર પાલિકાએ આ જાણકારી આપી છે.
બીએમસી અધિકારીઓનું કહેવું છે કે આ મહિને પરિસ્થિતિમાં થોડો ફેરફાર થયો છે અને હવે ઝુપડપટ્ટી- ચાલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.
બીએમસીએ એક નિવેદનમાં કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં બે મહિનામાં સંક્રમણના કુલ 23 હજાર 2 કેસ સામે આવ્યા હતા, જેમાંથી 90 ટકા લોકો બિલ્ડિંગમાં રહે છે, જ્યારે 10 ટકા ઝુપડપટ્ટી- ચાલમાં રહે છે.
આ મહિનાની શરૂઆતથી શહેરમાં કોરોના વાયરસ કન્ટેઈનમેન્ટ ઝોનમાં 170 ટકા જ્યારે સીલ કરવામાં આવેલી બિલ્ડિંગની સંખ્યા 66 ટકાનો વધારો થયો છે. મુંબઈમાં 1 માર્ચે 10 કન્ટેઈનમેન્ટ ઝોન હતા અને 137 બિલ્ડિંગ સીલ કરવામાં આવી હતી. 10 માર્ચે કન્ટેઈનમેન્ટ ઝોન વધીને 27 થયા અને સીલ કરવામાં આવેલી બિલ્ડિંગની સંખ્યા 228 સુધી પહોંચી છે.





















