Maharashtra : અજીત પવારનો વધુ એક જનોઈ ઘા, NCPને લઈને કર્યો વધુ એક દાવો
NCPમાં બળવો કરીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારે અનેક ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારને સમર્થન જાહેર કર્યું છે.
Maharashtra Political Crisis : શરદ પવારે વર્ષોની મહેનત બાદ ઉભી કરેલી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીને તેમના જ ભત્રીજા અજીત પવારે એક જ ઝાટકે બે ફાડિયા કરી નાખ્યા છે. આ સાથે જ હવે અજીત પવારે હુંકાર પણ ભર્યો છે કે, પાર્ટીનું નામ અને પાર્ટીનું ચિન્હ પણ આંચકી લેવામાં આવશે. સાથે જ તેમણે ભાજપને લઈને પણ ગર્ભિત ઈશારો કરતા રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
NCPમાં બળવો કરીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવારે અનેક ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારને સમર્થન જાહેર કર્યું છે. રાજ્ય સરકારમાં અજિત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી બન્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે પીએમ મોદીને લઈને લઈને સૂચક નિવેદન આપ્યું હતું. આ સાથે તેમણે એનસીપીના નામ અને ચિહ્ન પર પણ પોતાનો દાવો કરી દીધો છે.
અજીત પવારના આ દાવાથી એનસીપીના ભાવિને લઈને રાજકીય જંગ રસપ્રદ બની શકે છે. મીડિયા સાથે વાત કરતા અજિત પવારે કહ્યું હતું કે, વિકાસને મહત્વ આપવું ખૂબ જ જરૂરી છે. પીએમ મોદીએ 9 વર્ષથી ઘણા કામ કર્યા છે. તેમને જોઈને મને લાગ્યું કે મારે પણ વિકાસની યાત્રામાં સહભાગી બનવું જોઈએ. મોદી સરકારના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે.
મહત્વપૂર્ણ છે કે, અજિત પવારની સાથે અન્ય 8 મંત્રીઓને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. અજિત પવારે કહ્યું હતું કે, કેબિનેટમાં ઘણા વધુ સાથીઓને સ્થાન આપવામાં આવશે. અજિત પવારે દાવો કર્યો કે, કેટલાક ધારાસભ્યો હજુ સુધી પહોંચ્યા નથી.જેથી હજુ ઘણા ધારાસભ્યો અમારી સાથે છે. તેમણે કહ્યું હતું કે, કેટલાક ધારાસભ્યો હાલ વિદેશમાં છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે, ઘણા લોકો અમારી ટીકા કરશે પરંતુ અમે તેને મહત્વ આપતા નથી. અમે મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતા રહીશું. એટલા માટે અમે આ નિર્ણય લીધો છે. અમારા મોટાભાગના ધારાસભ્યો અમારા નિર્ણયથી સંતુષ્ટ છે. અમે NCP પાર્ટી સાથે આ સરકારને સમર્થન આપ્યું છે. અમે તમામ ચૂંટણી NCPના નામે જ લડીશું. આમ કહીને તેમણે એનસીપીના ચૂંટણી ચિન્હ અને પાર્ટીના નામ પર દાવો કરવાનું સ્પષ્ટ કર્યું છે.
અજિત પવારે કહ્યું હતું કે, આજે અમે મહારાષ્ટ્ર સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રી તરીકે શપથ લીધા છે. વિભાગોને લઈને બાદમાં ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે.