મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સંબંધી સાથે જોડાયેલા ગ્રુપ પર ઈડીની મોટી કાર્યવાહી, 11 ફ્લેટ કર્યા સીલ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પટાનકર સાથે જોડાયેલા ગ્રુપ સામે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. EDએ થાણે એપાર્ટમેન્ટના 11 ફ્લેટ સીલ કર્યા છે.
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પટાનકર સાથે જોડાયેલા ગ્રુપ સામે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. EDએ થાણે એપાર્ટમેન્ટના 11 ફ્લેટ સીલ કર્યા છે. ED અનુસાર, આ ફ્લેટની કિંમત 6.45 કરોડ છે. EDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે મુંબઈ નજીક થાણે સ્થિત શ્રી સાંઈબાબા હોમ નિમરુધિ પ્રાઈવેટ લિમિટેડના નીલાંબરી પ્રોજેક્ટમાં 11 રહેણાંક ફ્લેટને અટેચ કરવા માટે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કામચલાઉ આદેશ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરેના ભાઈ શ્રીધર માધવ પાટનકર, શ્રી સાંઈબાબા ગૃહનિર્મિતી પ્રાઈવેટ લિમિટેડની માલિકી ધરાવે છે અને તેને નિયંત્રિત કરે છે.
EDની કાર્યવાહીને લઈને શિવસેના અને NCPએ કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, “શ્રીધર માધવ પાટનકર અમારા પરિવારના સભ્ય છે, તેમનો સંબંધ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પૂરતો મર્યાદિત નથી. ED એ રાજ્યોમાં બળજબરીથી કાર્યવાહી કરી રહી છે જ્યાં ભાજપ સત્તામાં નથી.
શિવસેનાના નેતા સંજય રાઉતે વધુમાં કહ્યું કે, “ઇડીએ ગુજરાત જેવા અન્ય મોટા રાજ્યોમાં તેની ઓફિસ બંધ કરી દીધી હોય તેવું લાગે છે. મહારાષ્ટ્રમાં બધું જ થઈ રહ્યું છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે. પરંતુ ન તો બંગાળ ઝુકશે અને ન તો મહારાષ્ટ્ર તૂટશે.
બીજી તરફ, NCP પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે કહ્યું કે, "રાજકીય હિત માટે કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલાક વર્ષો પહેલા સુધી, મોટાભાગના લોકોને ED વિશે ખબર ન હતી, પરંતુ આજે તેનો એટલો દુરુપયોગ થઈ રહ્યો છે કે ગામડાના લોકોને પણ તેની ખબર છે.
EDની કાર્યવાહી બાદ બીજેપી નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટ કરીને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, "મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સાળા શ્રીધર પટનાકરનું મની લોન્ડરિંગ કૌભાંડ... નકલી કંપનીઓ બનાવીને કરવામાં આવ્યું હતું. કૌભાંડીઓને છોડવામાં નહી આવે. "