કોરોનાના વધતા પ્રકોપની વચ્ચે ગૃહ મંત્રાલયે બહાર પાડી નવી ગાઈડલાઈન, જાણો કઈ વાત પર મુકાયો ભાર
ગાઈડલાઈનમાં નિર્દેશ કરાયા કે જેવો કોઇ નવો કોરોના કેસ આવે તો તેને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેમને આઇસોલેશનમાં મોકલવામાં આવે.
ગુજરાત સહિત દેશભરમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે ગૃહ મંત્રાલયે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ પર ભાર મુક્યો છે. આ નવી ગાઈડલાઈન 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ ગાઇડલાઇનની અંદર મુખ્ય રીતે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ પર કામ કરવા ઉપર જોર આપવામાં આવ્યું છે. સાથે જ રસીકરણ અભિયાન ઉપર પણ ફોકસ વધારવાની વાત કરવામાં આવી છે.
જે પણ રાજ્યોની અંદર આરટીપીસીઆર ટેસ્ટના આંકડાઓ ઓછા છે, તેમને આ ટેસ્ટ વધારવાની સલાહ આપવામાં આવી છે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આ આરટીપીસીઆર ટેસ્ટની સંખ્યા 70% કરવાનો નિર્દેશ અપાયો છે. તો જ્યાં નવા કેસ નોંધાયા ત્યાં કન્ટેઈનમેંટ ઝોન બનાવવા પણ સૂચના અપાઈ છે.
ગાઈડલાઈનમાં નિર્દેશ કરાયા કે જેવો કોઇ નવો કોરોના કેસ આવે તો તેને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેમને આઇસોલેશનમાં મોકલવામાં આવે. સાથે જ તે લોકોના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવે. આ સિવાય જે તે જિલ્લાના કન્ટેન્ટમેન્ટ ઝોનની માહિતિ જિલ્લા કલેક્ટરની વેબસાઇટ પર મુકવામાં આવે અને કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયને પણ મોકલવામાં આવે.
સરકારના નિર્દેશ પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોન બહાર રેલવે, વિમાન સેવા, મેટ્રો, શાળા, શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ, રેસ્ટોરન્ટ, હોટેલ, મોલ, મલ્ટીપ્લેક્સ, યોગા સેન્ટર અને જિમ વગેરે કાર્યક્રમ શરુ રહેશે. આ તમામનું સંચાલન કોરોના ગાઇડલાઇનના પાલન સાથે કરવાનું રહેશે. ગાઇડલાઇનની અંદર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરાવવા માટે દંડની વાત પણ કરવામાં આવી છે. સાથે એવી પણ સ્પષ્તા કરવામાં આવી છે કે ઇંટર સ્ટેટ અને ઇંટ્રા સ્ટેટને લઇને કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. જે રાજ્યોમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે તેવા રાજ્યનો લઇને ગાઇડલાઇનની અંદર ચિંતા વ્યક્ત કરવામાં આવી અને રસીકરણનો વ્યાપ વધારવાની સૂચના આપવામાં આવી છે.