આગામી 5 વર્ષ અભૂતપૂર્વ વિકાસ અને સમૃદ્ધિનો સમયગાળો હશેઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસ અને સમૃદ્ધિનો સમયગાળો હશે
વડાપ્રધાન મોદીએ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસ અને સમૃદ્ધિનો સમયગાળો હશે. તેમણે કહ્યુ હતું કે દેશમાં દર વર્ષે બે નવી કોલેજો બનાવવામાં આવી. 10 વર્ષમાં દર અઠવાડિયે એક યુનિવર્સિટી બનાવવામાં આવી હતી. 10 વર્ષમાં 700 મેડિકલ કોલેજો બની. MBBSની એક લાખથી વધુ બેઠકો છે. મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસક્રમો સ્થાનિક ભાષામાં શરૂ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાને રાઇઝિંગ ભારત સમિટ કાર્યક્રમમાં બોલતા કહ્યું હતું કે વિશ્વ માને છે કે 21મી સદી ભારતની છે અને તેને “ઉભરતા ભારત” વિશે વિશ્વાસ છે.
તેમણે કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા જે પ્રકારનો વિકાસ થયો છે તેના પર દરેક વ્યક્તિ નજર રાખી રહ્યા છે. આખી દુનિયા જોઈ રહી છે કે છેલ્લા 10 વર્ષમાં દેશે શું મેળવ્યું છે. તેમણે કહ્યું કે સરકારના પ્રયાસોએ ભારતીય અર્થવ્યવસ્થાને છેલ્લા 10 વર્ષોમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવામાં મદદ કરી છે.
તેમણે કહ્યું હતું કે માત્ર 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા, ભારત 11માં નંબરથી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું. ફોરેક્સ રિઝર્વ વધીને 700 બિલિયન ડોલરથી વધુ થઈ ગયું છે. ભારતની નિકાસ 700 અબજ ડોલરને પાર કરી ગઈ છે.
વધુમાં વડાપ્રધાને કહ્યું હતું કે આપણા દેશમાં એવી કોઈ કમી નથી કે તેને ગરીબ દેશ તરીકે ઓળખવામાં આવે. આપણે વિશ્વનો સૌથી યુવા દેશ છીએ. દુનિયામાં એવું કોઈ કારણ નથી કે ભારત કોઈપણ દેશથી પાછળ રહે. આપણે માત્ર નેશન ફર્સ્ટના ઈરાદા સાથે આગળ વધવાનું છે. ભ્રષ્ટાચાર પર કાર્યવાહી મારી પ્રતિબદ્ધતા છે. અમે સત્તાને બદલે સરકારી કચેરીઓને સેવા કેન્દ્ર બનાવી દીધી. આજે અમારી સરકારમાં ગરીબોને વન નેશન વન રાશન કાર્ડ મળ્યું છે. અમારી સરકાર ગરીબોને સંપૂર્ણ રાશન મફતમાં આપી રહી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમે 4 કરોડ નકલી રાશન કાર્ડ હટાવ્યા છે. કલ્પના કરો કે તે કેટલું મોટું કૌભાંડ હતું. આજે જ્યારે એ ગરીબ મને આશીર્વાદ આપે છે અને વિપક્ષો મને ગાળો આપે છે. દેશે ફરી એકવાર મોદી સરકાર બનાવવાને લઈને મન બનાવી લીધું છે. જો દેશની વિશ્વસનીયતા ઘટી રહી છે તો સ્વાભિમાન નહીં રહે. 2014 પહેલા શું સ્થિતિ હતી, શું ભ્રષ્ટાચાર હતો? સરકાર પોતાના ભ્રષ્ટાચારનો બચાવ કરવામાં વ્યસ્ત હતી. આજે સરકાર ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરી રહી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે. સરકાર તેનું રિપોર્ટ કાર્ડ આપી રહી છે. 25 વર્ષનો રોડમેપ તૈયાર કરી રહ્યા છીએ. ત્રીજી ટર્મના 100 દિવસ માટે પ્લાન બનાવી રહ્યા છીએ. વિરોધીઓ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આજે મોદીને 104મી વખત ગાળ આપવામાં આવી છે.