Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
NIA chargesheet Pahalgam: પાકિસ્તાન સ્થિત LeT કમાન્ડર પર ગાળ્યો ગાળિયો, 1000 લોકોની પૂછપરછ બાદ તૈયાર થયો રિપોર્ટ, ‘ઓપરેશન સિંદૂર’ નો પણ ઉલ્લેખ.

NIA chargesheet Pahalgam: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ સોમવારે જમ્મુની સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના ટોચના કમાન્ડર સાજિદ જટ્ટને હુમલાનો મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઈન્ડ) ગણાવવામાં આવ્યો છે. એજન્સીએ ફરાર આતંકવાદી સાજિદ પર ₹10 લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે સ્થાનિક મદદગારોએ પાકિસ્તાની આતંકીઓને આશરો આપ્યો હતો, જેમની ધરપકડ થઈ ચૂકી છે.
સોમવારે, 15 ડિસેમ્બર, 2025 ના રોજ NIA એ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં જમ્મુની વિશેષ અદાલતમાં આ કેસમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. એજન્સી પાસે ચાર્જશીટ ફાઈલ કરવા માટે 180 દિવસનો સમય હતો, જે 18 ડિસેમ્બરે પૂર્ણ થવાનો હતો. તપાસની જટિલતાને ધ્યાનમાં રાખીને અગાઉ કોર્ટે એજન્સીને વધારાના 45 દિવસનો સમય આપ્યો હતો. આ સમયનો ઉપયોગ કરીને NIA એ સજ્જડ પુરાવાઓ એકત્ર કર્યા છે અને નિર્ધારિત સમયમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કરી દીધો છે.
આ કેસમાં 22 જૂન, 2025 ના રોજ ધરપકડ કરાયેલા પહેલગામના સ્થાનિક રહેવાસીઓ બશીર અહેમદ જોથર અને પરવેઝ અહેમદ જોથર સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. NIA ની તપાસમાં સામે આવ્યું છે કે આ બંને શખ્સોએ હુમલો કરનારા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ - સુલેમાન શાહ, હમઝા અફઘાની અને જિબ્રાનને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો અને તેમને છુપાવવા માટે આશરો આપ્યો હતો. આ સ્થાનિક મદદ વિના આતંકીઓ માટે હુમલો કરવો મુશ્કેલ હતો.
ચાર્જશીટમાં સૌથી મોટો અને મહત્વનો ખુલાસો 'માસ્ટરમાઈન્ડ' સાજિદ જટ્ટ અંગે કરવામાં આવ્યો છે. તેનું પૂરું નામ સૈફુલ્લાહ સાજિદ જટ્ટ છે અને તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાસુર જિલ્લાનો વતની છે. હાફિઝ સઈદ પછી લશ્કર-એ-તૈયબામાં તેનું સ્થાન ત્રીજા નંબરનું માનવામાં આવે છે. તે લશ્કરના જ પ્રોક્સી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) નો ચીફ છે, જે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ ચલાવે છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે 2023 માં જ UAPA હેઠળ TRF પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ કેસના મૂળ સુધી પહોંચવા માટે તપાસ એજન્સીએ આકાશ-પાતાળ એક કર્યા હતા. NIA એ પ્રવાસીઓ, ઘોડાવાળાઓ, ફોટોગ્રાફરો, દુકાનદારો અને કર્મચારીઓ સહિત 1,000 થી વધુ લોકોની સઘન પૂછપરછ કરી હતી. આતંકી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે મોબાઈલ ડેટા એનાલિસિસ અને ફોરેન્સિક રિપોર્ટની મદદ લેવામાં આવી છે. ઓવરગ્રાઉન્ડ વર્કર્સની ભૂમિકા નક્કી કરવા માટે એજન્સી હજુ પણ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
પહેલગામ હુમલા બાદ સમગ્ર દેશમાં રોષની લાગણી ફેલાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને મુક્ત મને જવાબ આપવાની છૂટ આપી હતી, જેના પરિણામે ભારતીય દળોએ 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત લાહોર નજીક મુરિદકે, બહાવલપુર, કોટલી અને PoK ના મુઝફ્ફરાબાદમાં આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરીને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદમાં આ હુમલામાં પાકિસ્તાની કનેક્શનની પુષ્ટિ કરી હતી.
આ ચાર્જશીટ દાખલ થવાથી હવે કેસની ટ્રાયલ ઝડપી બનશે. સાજિદ જટ્ટ ભલે સરહદ પાર બેઠો હોય, પરંતુ તેના સ્થાનિક મોહરાઓ હવે કાયદાની પકડમાં છે. NIA ની આ કાર્યવાહી આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિનું ઉદાહરણ પૂરું પાડે છે.





















