![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'મારી પત્ની જિન્સ-ટૉપ પહેરે છે, બાળકની કસ્ટડી મને આપી દેવામાં આવે', પતિના વિચિત્ર તર્ક પર હાઇકોર્ટે શું કહ્યુ?
છત્તીસગઢ હાઇકોર્ટે ફેમિલી કોર્ટના આ આદેશને ફગાવી દીધો હતો જેમાં કોર્ટે પિતાને એક બાળકની કસ્ટડી આપી હતી
!['મારી પત્ની જિન્સ-ટૉપ પહેરે છે, બાળકની કસ્ટડી મને આપી દેવામાં આવે', પતિના વિચિત્ર તર્ક પર હાઇકોર્ટે શું કહ્યુ? Not squeezing into mould as per husband's desire no decisive factor for woman to lose child's custody: Chhattisgarh HC 'મારી પત્ની જિન્સ-ટૉપ પહેરે છે, બાળકની કસ્ટડી મને આપી દેવામાં આવે', પતિના વિચિત્ર તર્ક પર હાઇકોર્ટે શું કહ્યુ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/07/09908a3e7d7ea402c9d2ad371c72924a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બિલાસપુરઃ છત્તીસગઢ હાઇકોર્ટે ફેમિલી કોર્ટના આ આદેશને ફગાવી દીધો હતો જેમાં કોર્ટે પિતાને એક બાળકની કસ્ટડી આપી હતી. હાઇકોર્ટે કહ્યું કે જો કોઇ મહિલા પોતાના પતિની ઇચ્છા અનુસાર પોતાને ઢાળી શકે નહી તો તેને બાળકની કસ્ટડીથી વંચિત કરવા માટે એક નિર્ણાયક કારણ બની શકે નહીં. જસ્ટિસ ગૌતમ ભાદુરી અને જસ્ટિસ સંજય એસ અગ્રવાલની ખંડપીઠે 14 વર્ષના છોકરાની કસ્ટડી સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો સંભળાવતા એ પણ અવલોકન કર્યું હતું કે સમાજના કેટલાક સભ્યોની વિચિત્ર માનસિકતાને કોઇ મહિલાનું ચરિત્ર નક્કી કરવાનો અધિકાર નથી.
2013માં થયા હતા ડિવોર્સ
મહિલાના વકીલ સુનીલ સાહૂએ કહ્યું કે 28 માર્ચના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો. સોમવારે હાઇકોર્ટની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો જે અનુસાર, બાળકની કસ્ટડી તેની માતાને આપવામાં આવી હતી. દંપત્તિએ 2007માં લગ્ન કર્યા હતા અને એ જ વર્ષે ડિસેમ્બરમાં તેમના દીકરાનો જન્મ થયો હતો. તેમણે કહ્યું કે 2013માં પરસ્પર સહમતિથી બંન્નેના ડિવોર્સ થયા હતા. બાદમાં બાળકની કસ્ટડી તેની માતાને મળી હતી.
2014માં મહિલાના પતિએ કોર્ટમાં એક અરજી દાખલ કરી બાળકની કસ્ટડીની માંગ કરી હતી જેમાં તેણે દલીલ કરી હતી કે મહિલા પોતાની સંસ્થાના પુરુષ સહકર્મચારીઓ સાથે બહાર ફરવા જાય છે. તે જિંન્સ-ટી-શર્ટ પહેરે છે. અને તેનું ચારિત્ર્ય સારુ નથી. એટલા માટે જો બાળકને તેની કસ્ટડીમાં રાખવામાં આવશે તો તેના મન પર તેની ખરાબ અસર પડશે. ત્યારબાદ ફેમિલી કોર્ટે 2016માં બાળકની કસ્ટડી તેના પિતાને સોંપી હતી.
હાઇકોર્ટે કહી આ મહત્વની વાત
મહિલાએ ફેમિલી કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકારતા કહ્યું કે આ ફક્ત અનુમાનના આધાર પર આદેશ આપવામાં આવ્યો છે. જેમાં હસ્તક્ષેપની આવશ્યકતા છે. ફેમિલી કોર્ટના આદેશને ફગાવતા હાઇકોર્ટે કહ્યું કે પિતા તરફથી આપવામાં આવેલા પુરાવાઓ પરથી લાગે છે કે સાક્ષીઓએ પોતાનો મત પોતાના વિચારો અનુસાર નિવેદન આપ્યા છે. મહિલાએ જો કાંઇ કામ કરવું હશે તો તેને પોતાની આજીવિકા માટે સ્વાભાવિક રીતે એક સ્થળ પરથી બીજા સ્થળ પર જવું પડશે. સાક્ષીઓના નિવેદનો દર્શાવે છે કે તેઓ મોટાભાગે મહિલાના પહેરવેશથી પ્રભાવિત છે કારણ કે તેણી જીન્સ અને ટી-શર્ટ પહેરે છે. અમને ડર છે કે જો આવી ખરાબ કલ્પનાવાળી માનસિકતા પર ધ્યાન આપવામાં આવશે તો મહિલાઓના અધિકારો અને સ્વતંત્રતાઓના રક્ષણ માટે લાંબી લડાઈ થશે.
હાઇકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને રદ કરતા બાળકની કસ્ટડી તેની માતાને સોંપી હતી. દરમિયાન હાઇકોર્ટે બાળકના પિતાને તેને મળવાનો અને સંપર્ક કરવાનો અધિકાર આપ્યો હતો અને આ સંબંધમાં નિર્દેશ જાહેર કર્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)