Pakistani Hindu : પાકિસ્તાનમાં વસતા લાખો હિંદુઓ માટે PM મોદી બન્યા વરદાન, લીધો મહત્વનો નિર્ણય
હિંદુ માન્યતાઓ અનુસાર, જો મૃતકની રાખને હરિદ્વારમાં ગંગામાં વિસર્જીત કરવામાં આવે તો તેમની આત્માને સ્વર્ગ પ્રાપ્ત થાય છે
Pakistani Hindu Families : પાકિસ્તાનમાં વસતા અનેક હિંદુઓ માટે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પોન્સરશિપ નીતિમાં સુધારો કર્યા બાદ 426 પાકિસ્તાની હિન્દુઓના નશ્વર અવશેષોને હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જન કરી શકાય છે. આ લોકોના અંતિમ સંસ્કાર પાકિસ્તાનમાં કરવામાં આવ્યા હતા. આ અસ્થિઓ હાલમાં કરાચીમાં હિંદુ મંદિરો અને સ્મશાનગૃહમાં રાખવામાં આવી છે.
પહેલીવાર પાકિસ્તાની હિંદુઓ ભારતમાં ગંગા નદીમાં તેમના મૃત સ્વજનોની રાખનું વિસર્જન કરી શકશે. હિંદુ માન્યતાઓ અનુસાર, જો મૃતકની રાખને હરિદ્વારમાં ગંગામાં વિસર્જીત કરવામાં આવે તો તેમની આત્માને સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મળે છે.
મોદી સરકાર ભારતના કોઈપણ પ્રાયોજક વિના પાકિસ્તાની હિન્દુ તીર્થયાત્રીઓને પ્રવેશની મંજૂરી આપતી નથી. એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે નવી દિલ્હીએ સંકેત આપ્યો છે કે, મૃતક હિન્દુના પરિવારના સભ્યોને તેમના અસ્થિ વિસર્જન કરવા માટે 10 દિવસના વિઝા આપવામાં આવશે. 2011 થી 2016ની વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાઘા બોર્ડર પર 295 હિંદુઓના અસ્થિઓ મોકલવામાં આવી હતી.
પાકિસ્તાને ભારતના પગલાની કરી ભારોભાર પ્રશંસા
આ પહેલીવાર હશે જ્યારે પરિવારનો કોઈ સભ્ય પોતે અસ્થીઓને હરિદ્વાર લઈ જઈ શકશે. પાકિસ્તાનના માધ્યમોએ પણ મોદી સરકારના આ પગલાની પ્રશંસા કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2019 થી વેપાર બંધ છે. બંને વચ્ચેના સંબંધો ઘણીવાર તંગ રહે છે. આ સ્થિતિમાં નાગરિકો માટે અન્ય દેશના વિઝા મેળવવું લગભગ 'અસંભવ' છે. કરાચીના સોલ્જર બઝાર અને રણછોર લાઈન્સમાં એક મોટો હિંદુ સમુદાય છે જેઓ વિભાજન પહેલાથી જ અહીં રહે છે. તેમની વસ્તી 100,000 અને 150,000 ની વચ્ચે હોવાનો અંદાજ છે.
વિઝા માટે સંબંધીની ભલામણ જરૂરી
થરપારકર જિલ્લાના કુનરી, નગરપારકર અને ઈસ્લામકોટમાં લગભગ પાંચ લાખ હિંદુઓ રહે છે. પાકિસ્તાની હિંદુઓ તેમના મૃતકોના અગ્નિસંસ્કાર કરતા હતા અને રાખને મંદિરો અથવા સ્મશાનભૂમિમાં આ આશામાં રાખતા હતા કે એક દિવસ તેઓ તેમને ગંગા નદીમાં વિસર્જન કરી શકશે. ભારત સરકારની નીતિ મુજબ, પરિવારના કોઈ સભ્યને અસ્થીઓ હરિદ્વાર લઈ જવા માટે વિઝા ત્યારે જ ઈસ્યુ કરી શકાય છે જો ભારતમાંથી કોઈ પરિવારનો સભ્ય અથવા ત્યાં સ્થાયી થયેલ કોઈ પરિચિત વ્યક્તિ તેમને સ્પોન્સર કરે. મોટાભાગના પાકિસ્તાની હિંદુઓના ભારતમાં સગાં નથી. કરાચીમાં ઓલ્ડ ગોલીમાર પાસે સોનપુરી સ્મશાન ભૂમિમાં ઓસ્યુરી પેલેસમાં 300 હિન્દુઓના અસ્થિઓ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 128 લોકોના અસ્થિ પણ ગંગામાં વિસર્જનની રાહ જોઈ રહી છે.