'ઓકે ટાટા બાય બાય': વિરોધ બાદ વિજય શેખર શર્માએ રતન ટાટા અંગેની પોસ્ટ ડિલીટ કરી
પેટીએમના સીઈઓ વિજય શેખર શર્માએ રતન ટાટાને આપેલી શ્રદ્ધાંજલિમાં "ઓકે ટાટા બાય બાય" લાઈનના કારણે વિરોધનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેમણે પોસ્ટ ડિલીટ કરવી પડી.
paytm founder vijay shekhar sharma: ભારતીય ટેક કંપનીઓના સીઈઓ અને સ્થાપકોએ સોશિયલ મીડિયા પર ૮૬ વર્ષની વયે અવસાન પામેલા મહાન ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ભારતીય ઉદ્યોગ જગતમાં અમૂલ્ય યોગદાન આપનાર ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષે એક અદ્ભુત વારસો છોડ્યો છે. ટેક જગતની નામાંકિત હસ્તીઓ જેમાં ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલ, પીપલ ગ્રુપના સીઈઓ અનુપમ મિત્તલ, શાઓમીના પૂર્વ સીઈઓ મનુ કુમાર જૈન, પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્મા અને ભારતપેના પૂર્વ સીઈઓ આશ્નીર ગ્રોવરે ટાટા પ્રત્યે આદર અને સન્માનના ભાવપૂર્ણ સંદેશા શેર કર્યા.
જ્યારે મોટાભાગની શ્રદ્ધાંજલિઓને સારો પ્રતિસાદ મળ્યો, વિજય શેખર શર્માની પોસ્ટને સોશિયલ મીડિયા પર નકારાત્મક પ્રતિસાદ મળ્યો. એક્સ (ટ્વિટર) પર શિવમ સૌરવ ઝા દ્વારા શેર કરાયેલી શર્માની ડિલીટ કરાયેલી શ્રદ્ધાંજલિની સ્ક્રીનશોટ વાયરલ થઈ ગઈ છે. તેમના મૂળ સંદેશમાં શર્માએ લખ્યું હતું, "એક મહાન વ્યક્તિત્વ જે દરેક પેઢીને પ્રેરણા આપશે. આવનારી પેઢીના ઉદ્યોગપતિઓને ભારતના સૌથી વિનમ્ર ઉદ્યોગપતિને મળવાથી ચૂકી ગઈ. સલામ, સર. ઓકે ટાટા બાય બાય."
છેલ્લી લાઈન "ઓકે ટાટા બાય બાય"એ ઘણી ટીકાઓનો સામનો કર્યો, અનેક યુઝર્સે તેમનો અસંતોષ વ્યક્ત કર્યો. એક યુઝરે ટિપ્પણી કરી, "ઈન્ટર્ન પાસે લખાવ્યું હશે," જે સૂચવે છે કે તે કદાચ યોગ્ય રીતે લખાયું ન હતું. બીજા એક યુઝરે કહ્યું, "સમાચારોમાં રહેવાની તક ક્યારેય નથી ચૂકતા," જ્યારે ત્રીજા એક યુઝરે ઉમેર્યું, "આ અયોગ્ય છે."
નોંધનીય છે કે, દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું ગઈકાલે રાત્રે 9 ઓક્ટોબરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. આજે 10 ઓક્ટોબરે તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
wtf is the last line pic.twitter.com/dOrIeMQH7c
— Shivam Sourav Jha (@ShivamSouravJha) October 10, 2024
પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના નશ્વર અવશેષોને અંતિમ સંસ્કાર માટે વરલી સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પૂરા રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, તે સાદગી અને વિનમ્રતાના પ્રતિક હતા. જ્યારે પણ હું રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભ દરમિયાન તેમને આમંત્રણ આપતો હતો, મેં તેમનામાં એવી નમ્રતા જોઈ હતી કે તેઓ ક્યારેય મોટા ઉદ્યોગપતિ લાગતા નહોતા. તેઓ એક દેશભક્ત, સામાન્ય વ્યક્તિ હતા અને હંમેશા પ્રોટોકોલનું પાલન કરતા હતા જ્યારે આપણે ટાટા જૂથના કોઈપણ ઉદ્યોગને જોઈએ છીએ, ત્યારે આપણે તેમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય હિત જોશું.