PM Modi Hyderabad Rally:તેલુગૂમાં PM મોદીએ શરુ કર્યું સંબોધન, કહ્યું- 'ડબલ એન્જિનની સરકાર ઈચ્છે છે તેલંગણા'
પીએમ મોદીએ હૈદરાબાદમાં ભાજપની રેલીને સંબોધી હતી. આ રેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બે દિવસીય બેઠક પૂરી થયા બાદ આયોજીત કરવામાં આવી હતી.
BJP Rally In Hyderabad: પીએમ મોદીએ હૈદરાબાદમાં ભાજપની રેલીને સંબોધી હતી. આ રેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બે દિવસીય બેઠક પૂરી થયા બાદ આયોજીત કરવામાં આવી હતી. આ રેલીને 'વિજય સંકલ્પ સભા' નામ આપવામાં આવ્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત તેલુગુમાં કરી હતી. તેમણે કહ્યું કે તેલંગાણા પરાક્રમનું પુણ્યસ્થળ છે. આજે એવું લાગે છે કે જાણે આખા તેલંગાણાનો સ્નેહ અહીં આ મેદાનમાં ઉતરી આવ્યો છે. તમે તેલંગાણાના વિવિધ જિલ્લામાંથી આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા છો. હું તમને તમારા પ્રેમ માટે, આ આશીર્વાદ માટે સલામ કરું છું,
પીએમએ કહ્યું કે હું તેલંગાણાની ભૂમિની પૂજા કરું છું. અહીંના લોકો તેમની મહેનત માટે જાણીતા છે. રાજ્યના લોકોમાં ઘણી પ્રતિભા છે. તેલંગાણા તેના ઈતિહાસ અને સંસ્કૃતિ માટે પણ જાણીતું છે, તેની કલા અને સ્થાપત્ય બધા માટે ગર્વની વાત છે. જેમ હૈદરાબાદ દરેક પ્રતિભાઓની આશાઓને નવી ઉડાન આપે છે, તેવી જ રીતે ભાજપ પણ દેશની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યું છે.
શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદીએ કહ્યું કે તેલંગાણાના લોકો દેશના વિકાસ પ્રત્યે તેમની સખત મહેનત અને સમર્પણ માટે વિશ્વભરમાં જાણીતા છે. કલા, કૌશલ્ય, ખંત અહીં ભરપૂર છે. તેલંગાણા પ્રાચીનતા અને શક્તિનું પવિત્ર સ્થળ છે. અહીંનો વિકાસ, સર્વાંગી વિકાસ એ ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિકતાઓમાંની એક છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને અનુસરીને અમે તેલંગાણાના વિકાસ માટે સતત પ્રયાસો કરી રહ્યા છીએ.
વંચિત, શોષિતોને વિકાસમાં ભાગીદાર બનાવ્યા
તેમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં અમે દરેક દેશવાસીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. દેશવાસીઓનું જીવન કેવી રીતે સરળ બને, વિકાસનો લાભ દરેક વ્યક્તિ, દરેક વિસ્તાર સુધી કેવી રીતે પહોંચે તે માટે અમે સતત કામ કર્યું. જે લોકો વંચિત અને શોષિત હતા તેમને પણ અમે રાષ્ટ્રીય યોજનાઓ દ્વારા વિકાસમાં ભાગીદાર બનાવ્યા. આ જ કારણ છે કે આજે ગરીબ, દલિત, પછાત, આદિવાસી બધાને લાગે છે કે ભાજપ સરકાર તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓ બંને પૂરી કરી રહી છે.
તેલંગાણા ડબલ એન્જિન સરકાર ઈચ્છે છે
પીએમએ કહ્યું કે દેશની મહિલાઓ પણ આજે અનુભવી રહી છે કે તેમનું જીવન સરળ બની ગયું છે. હવે તે દેશના વિકાસમાં વધુ યોગદાન આપી શકે છે. તેલંગાણાના ગરીબોને મફત રાશન, મફત સારવાર મળવી જોઈએ, કોઈપણ ભેદભાવ વિના દરેકને ભાજપ સરકારની નીતિઓનો લાભ મળી રહ્યો છે. આ સૌનો સાથ, સૌનો વિકાસ. તેથી જ આજે દેશના સામાન્ય નાગરિકને ભાજપમાં આટલો વિશ્વાસ છે. અન્ય રાજ્યોમાં પણ આપણે જોયું છે કે ભાજપની ડબલ એન્જિન સરકારમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. તેલંગાણામાં પણ લોકો ડબલ એન્જિનની ભાજપ સરકાર ઈચ્છે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અમે સ્થાનિક ભાષામાં અભ્યાસને પ્રાથમિકતા આપી છે. જ્યારે તેલુગુમાં ટેક્નોલોજી અને મેડિકલ એજ્યુકેશન હશે, ત્યારે તેલંગાણાના ગામડાના ગરીબ પરિવારોની માતાઓના સપના સાકાર થશે.