PM Modi : "PM મોદી રાજકારણી, ક્યારેય બદલાની ભાવનાથી કામ નથી કર્યું પરંતું કોંગ્રેસ..."
વિરોધ પક્ષના એક પછી એક નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવતા રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
Ghulam Nabi Azad Again Praise PM Modi : વિરોધ પક્ષના એક પછી એક નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવામાં આવતા રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. પહેલા એનસીપીના અજીત પવાર અને હવે કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પીએમ મોદીના ભારોભાર વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીએ ક્યારેક બદલાની ભાવનાથી કોઈ જ કામ નથી કર્યું.
ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને કહ્યું હતું કે, તેઓ હંમેશા મારી ટીકાઓને સરળતાથી સ્વીકારે છે. ANIને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, મારે પીએમ મોદીને શ્રેય આપવો જોઈએ. મેં તેમની સાથે જે કર્યું છે તેના માટે તે હંમેશા મારા પ્રત્યે દયાળુ જ બની રહ્યાં છે. વિપક્ષના નેતા તરીકે મેં તેમને કોઈપણ મુદ્દા પર છોડ્યા નથી, પછી ભલે તે કલમ 370 હોય કે CAA અથવા હિજાબ વિવાદ. હું કેટલાક વિધેયકોને તો સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધા પરંતુ મારે તેમને શ્રેય આપવો જોઈએ કે, તેઓ માત્ર એક રાજકારણીની જેમ જ વર્ત્યા છે. તેમને ક્યારેય તેનો બદલો લીધો નથી.
ગુલામ નબીએ તેમના અને G23 સાથે ભાજપના ગાઢ સંબંધો હોવાના આરોપો પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આવું કહેવું મૂર્ખાઈ ભર્યું છે. જો હું G23 ગ્રુપ વતી ભાજપનો પ્રવક્તા હતો તો કોંગ્રેસે તેમના સભ્યોને સાંસદ કેમ બનાવ્યા? શા માટે તેમના લોકોને સાંસદ, મહાસચિવ અને પદાધિકારી બનાવવામાં આવ્યા છે? હું એકલો જ છું જેણે કોંગ્રેસથી અલગ થઈને પાર્ટી બનાવી છે. બાકીના હજુ પણ છે. આ એક દૂષિત, અપરિપક્વ અને બાલિશ આરોપ છે.
ગ્રુપ 23ને કોંગ્રેસના બળવાખોર નેતાઓનું સંગઠન માનવામાં આવે છે. ઓગસ્ટ 2020માં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા અને અન્ય 21 કોંગ્રેસના નેતાઓ મળ્યા અને સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પાર્ટીને ફરીથી મજબૂત કરવા માટે ઘણી માંગણીઓ કરી હતી, જેમાં ચૂંટણી યોજવા અને સંગઠનના સક્રિય નેતૃત્વની માંગણીઓ મુખ્ય હતી. તેમના પત્રને કોંગ્રેસ નેતૃત્વ માટે પડકાર તરીકે જોવામાં આવ્યો હતો.
ગુલામ નબી આઝાદે પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસને ખુલ્લી પાડવા અને સંપૂર્ણ રીતે ખતમ કરવા માંગતો નથી. પાર્ટી હાઈકમાન્ડ સાથે મારા કેટલાક મતભેદો હોઈ શકે છે, પરંતુ મને કોંગ્રેસ પાર્ટી કે કોંગ્રેસની વિચારધારા સાથે કોઈ મતભેદ નથી. મને કોંગ્રેસની વિચારધારા સાથે કે અગાઉના કોંગ્રેસ નેતૃત્વ સાથે કોઈ મતભેદ નથી. અલબત્ત, મેં મારા પુસ્તકમાં નેહરુજીના સમયમાં, ઇન્દિરાજીના સમયમાં, રાજીવજીના સમયમાં શું ખોટું થયું તેનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ મેં એમ પણ કહ્યું કે, તેઓ મહાન નેતાઓ હતા.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નહેરુજી, રાજીવ ગાંધી, ઈન્દિરા ગાંધી આનો ભોગ બની શક્યા હોત, તેમની પાસે સહનશક્તિ હતી, તેમની પાસે લોકોનું સમર્થન અને સન્માન હતું અને તેઓ સમય જતાં તેમના કામથી પરિસ્થિતિને બદલી શકતા હતા, પરંતુ વર્તમાન કોંગ્રેસ નેતૃત્વનો લોકો પર કોઈ પ્રભાવ નથી. આઝાદે ગયા વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યાર બાદ ડીએપી નામની રાજકીય પાર્ટીની સ્થાપના કરી હતી. જો કે, પાર્ટીની રચનાના થોડા અઠવાડિયા બાદ જ તેમાં વિખવાદ શરૂ થયો હતો.