Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલામાં 26નાં મોત, વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ ટૂંકાવ્યો
Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે

Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આટલી મોટી ઘટના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત પરત ફરી રહ્યા છે.
PM Narendra Modi concludes his State Visit to Saudi Arabia and has emplaned for India.
— ANI (@ANI) April 22, 2025
(Source - Randhir Jaiswal/X) pic.twitter.com/JVBBTNUoDC
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે થયેલા આતંકવાદી હુમલાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સાઉદી પ્રવાસ ટૂંકાવ્યો હતો અને ભારત પરત ફરી રહ્યા છે. વડાપ્રધાન બે દિવસની સાઉદી મુલાકાતે ગયા હતા. વડાપ્રધાન બુધવારે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથને નિશાન બનાવ્યું હતું, જેમાં લગભગ 26 લોકોના મોતની આશંકા છે.
નરેન્દ્ર મોદીએ હુમલાની નિંદા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું કે તેઓ આ હુમલાની નિંદા કરે છે. તેમણે લખ્યું કે, આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળ જવાબદાર લોકોને છોડવામાં આવશે નહીં. આતંકવાદ સામે લડવાનો અમારો સંકલ્પ અડગ છે.
આજે કાશ્મીરમાં બંધનું એલાન
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના પ્રમુખ મહેબૂબા મુફ્તી અને તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તીએ આતંકવાદી હુમલાના વિરોધમાં સંપૂર્ણ કાશ્મીર બંધની જાહેરાત કરી છે. મહેબૂબા મુફ્તીએ પોતાની પોસ્ટમાં કહ્યું, 'ચેમ્બર અને બાર એસોસિએશન જમ્મુએ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં બુધવારે સંપૂર્ણ બંધનું આહવાન કર્યું છે.'
આતંકવાદી હુમલાની માહિતી મળતા જ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દળ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલી હતી. ઘાયલોને બચાવવા માટે હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
પહલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કર્યા બાદ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો ઘટનાસ્થળે હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.





















