Birbhum Violence: બીરભૂમ હિંસા પર PM મોદીએ કહ્યુ- 'બંગાળના લોકો આવા જઘન્ય ગુના કરનારાઓને માફ ના કરે'
હું બંગાળના લોકોને પણ વિનંતી કરીશ કે આવી ઘટનાઓને અંજામ આપનારાઓને માફ ન કરો, જેઓ આવા ગુનેગારોને પ્રોત્સાહન આપે છે.
પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકાતામાં વિક્ટોરિયા મેમોરિયલ હોલ ખાતે Biplobi Bharat Galleryનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન બીરભૂમમાં થયેલી હિંસાની ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી હું રાજ્યને ખાતરી આપું છું કે ગુનેગારોને વહેલી તકે સજા અપાવવા માટે તે જે પણ મદદ ઇચ્છશે તે પૂરી પાડવામાં આવશે. હું બંગાળના લોકોને પણ વિનંતી કરીશ કે આવી ઘટનાઓને અંજામ આપનારાઓને માફ ન કરો, જેઓ આવા ગુનેગારોને પ્રોત્સાહન આપે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી હિંસક ઘટના પર હું દુઃખ વ્યક્ત કરું છું. હું મારી સંવેદના વ્યક્ત કરું છું. પીએમએ કહ્યું કે બંગાળની મહાન ભૂમિ પર આવા ઘૃણાસ્પદ પાપો કરનારાઓને રાજ્ય સરકાર ચોક્કસપણે સજા કરશે.
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાની હત્યા બાદ અનેક ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા. સોમવારે TMC નેતા પર ક્રૂડ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ અમર શહીદ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે તેમની વીરતાની ગાથા દેશના દરેક બાળકની જીભ પર છે. આ વીરોની વાર્તાઓ આપણને બધાને દેશ માટે રાત-દિવસ કામ કરવાની પ્રેરણા આપે છે. આપણા ભૂતકાળનો વારસો આપણા વર્તમાનને દિશા આપે છે, વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે પ્રેરણા આપે છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હવે ભારતની તે વિરાસતને પરત લાવવામાં આવી રહી છે. 2014 પહેલાના દાયકાઓમાં ભારતમાં માત્ર એક ડઝન પ્રતિમાઓ લાવી શકાઈ હતી. પરંતુ છેલ્લા 7 વર્ષમાં આ સંખ્યા વધીને અઢીસોથી વધુ થઈ ગઈ છે. ભારતમાં હેરિટેજ ટુરિઝમ વધારવા માટે દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. સ્વદેશ દર્શન જેવી અનેક યોજનાઓ દ્વારા હેરિટેજ ટુરીઝમને વેગ આપવામાં આવી રહ્યો છે.