Prashant Kishor: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં સામેલ થશે કે નહી ? જાણો શું આવ્યા મોટા સમાચાર
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના રાજકારણમાં જોડાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં સામેલ નહી થાય. રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.
નવી દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના રાજકારણમાં જોડાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રશાંત કિશોર કૉંગ્રેસમાં સામેલ નહી થાય. રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે. સતત ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ હવે 2024ની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે પાર્ટીમાં ઘણા ફેરફારો સૂચવવામાં આવ્યા હતા અને તેમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. પરંતુ હવે કોંગ્રેસ તરફથી એક નિવેદન સામે આવ્યું છે કે પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે.
કોંગ્રેસ દ્વારા ઓફર આપવામાં આવી હતી
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા તરફથી કહેવામાં આવ્યું છે કે, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 2024 માટે એક એક્શન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, પ્રશાંત કિશોરને પણ આ જૂથનો ભાગ બનવા અને તમામ જવાબદારીઓ સંભાળવાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે તેનો ઇનકાર કર્યો હતો. અમે તેમના પ્રયાસો અને પાર્ટીને આપેલા સૂચનોનું સન્માન કરીએ છીએ.
Following a presentation & discussions with Sh. Prashant Kishor, Congress President has constituted a Empowered Action Group 2024 & invited him to join the party as part of the group with defined responsibility. He declined. We appreciate his efforts & suggestion given to party.
— Randeep Singh Surjewala (@rssurjewala) April 26, 2022
પ્રશાંત કિશોરે અનેક સૂચનો આપ્યા હતા
જણાવી દઈએ કે આ પહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ઘણા કોંગ્રેસી નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. જેમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને આગામી ચૂંટણીને લઈને કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે સમગ્ર પ્રેઝન્ટેશન સોનિયા ગાંધીને અનેક પેજમાં મોકલવામાં આવ્યું હતું. કોંગ્રેસ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ અંગે કામ કરવામાં આવશે. સોનિયા ગાંધી પોતે ઘણી વખત પ્રશાંત કિશોરને મળ્યા હતા. આ પછી, એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ ટૂંક સમયમાં પ્રશાંત કિશોરને પાર્ટીમાં મહત્વપૂર્ણ પદ સોંપી શકે છે. પરંતુ હવે પાર્ટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પીકેએ આમ કરવાની ના પાડી દીધી છે.
2024માં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટીએ અત્યારથી પોતાની કામગીરી શરુ કરી દીધી છે. રણનીતિકાર પ્રશાંત કિશોરે આ પહેલાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સામે પ્રઝેન્ટેશન રજુ કર્યું હતું. આ પ્રઝેન્ટેશનમાં આવનારી લોકસભા ચૂંટણી મુદ્દે પ્રશાંત કિશોરે પોતાની વ્યુહરચના રજુ કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસે પ્રશાંત કિશોરના આ પ્રઝેન્ટેશન પર વિચારણા કરવા માટે સોનિયા ગાંધીએ એક કમિટી બનાવી હતી. આ કમિટીએ પોતાના રિપોર્ટ પાર્ટીને સોંપી દીધો છે.
આ સાથે કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર રીતે એવી પણ જાહેરાત કરી હતી કે, તે રાજસ્થાનના ઉદયપુરમાં 13 મે થી 15 મે દરમિયાન નવ સંકલ્પ ચિંતન શિબિર-મંથન સત્ર યોજશે. ત્રણ દિવસીય સત્રમાં દેશભરમાંથી લગભગ 400 કોંગ્રેસના નેતાઓ ભાગ લેશે.
આ સાથે સોનિયા ગાંધીએ આઠ સભ્યોની કમિટીના નેતાઓને પણ મળ્યા હતાં જે પ્રશાંત કિશોરના પ્રઝેન્ટેશનમાં હાજર રહ્યા હતા. આ નેતાઓમાં પી ચિદમ્બરમ, અંબિકા સોની, પ્રિયંકા ગાંધી વાડ્રા, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, મુકુલ વાસનિક, કે સી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાનું આ કમિટી કિશોરની પ્રઝેન્ટેશનમાં કરાયેલી રજુઆતો પર મંથન કરવા અને રિપોર્ટ તૈયાર કરવા માટે બનાવાઈ હતી અને તેમણે ઘણી બેઠકો પણ કરી હતી.