(Source: ECI/ABP News/ABP Majha)
Himachal : પ્રિયંકા કોંગ્રેસમાં 'કિંગ મેકર', આ 4 રાજ્યોમાં રાતોરાત બનાવ્યા મુખ્યમંત્રી
પ્રિયંકાએ કોંગ્રેસ હાઈકમાન્ડ માટે ઘણી વખત સંકટ મોચકની ભૂમિકા ભજવી છે. જેમાં રાજસ્થાનમાં સચિન પાયલટને મનાવવાથી લઈને પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહને સત્તા પરથી હટાવવા સુધીના નિર્ણયોનો સમાવેશ થાય છે.
Priyanka Gandhi Role: હિમાચલ પ્રદેશમાં જીત બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રીને લઈને ગૂંચવણનો આશ્ચર્યજનક રીતે 48 કલાકમાં જ ઉકેલ લાવી દીધો હતો. વીરભદ્રના રાજકીય વારસાને અવગણી પાર્ટીએ સુખવિંદર સિંહ સુખુને નવા સીએમ બનાવ્યા હતાં. આ નિર્ણય પાછળ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની મહત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર હિમાચલમાં પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ ખાસ કરીને પ્રિયંકા ગાંધી સક્રિય થઈ ગયા હતાં. પ્રિયંકા શિમલામાં રહેલા નિરીક્ષક સાથે સતત સંપર્કમાં રહ્યાં હતાં અને અંતે ધારાસભ્યોનો અભિપ્રાય જાણ્યા બાદ હાઈકમાન્ડે સુખુના નામની મંજૂરી આપી દીધી હતી.
2019માં રાજકારણમાં પ્રવેશ્યા બાદ પ્રિયંકાએ કોંગ્રેસ હાઈકમાન્ડ માટે ઘણી વખત સંકટ મોચકની ભૂમિકા ભજવી છે. જેમાં રાજસ્થાનમાં બળવાખોર સચિન પાયલટને મનાવવાથી લઈને પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહને સત્તા પરથી હટાવવા સુધીના નિર્ણયોનો સમાવેશ થાય છે.
આ છે પ્રિયંકાના 4 મોટા નિર્ણયો
1. છેલ્લી ઘડીએ ખડગેને ઉતાર્યા મેદાનમાં
સપ્ટેમ્બર 2022માં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવામાં આવી રહ્યું હતું. ગાંધી પરિવાર બાદ અશોક ગેહલોતે પણ ફોર્મ ન ભરવા અંગે જણાવ્યું હતું. ગેહલોતના ઇનકાર બાદ દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે અધ્યક્ષ પદ માટે ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી. દિગ્વિજય અને શશિ થરૂર વચ્ચેની સ્પર્ધા નિશ્ચિત માનવામાં આવી રહી હતી. પરંતુ નોમિનેશનની આગલી રાત્રે જ સોનિયા-પ્રિયંકા વચ્ચે લગભગ 2 કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠક સોનિયાના 10 જનપથ સ્થિત નિવાસસ્થાને નહીં પરંતુ પ્રિયંકાના ખાનગી નિવાસસ્થાને યોજાઈ હતી. બેઠકના ગણતરીના કલાકો બાદ ગાંધી પરિવારના નજીકના સહયોગી મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ગાંધી પરિવારની નજીક હોવાના કારણે ખડગેએ પણ ચૂંટણી જીતી હતી.
2. બળવાખોર સચિન પાયલટને મનાવી લીધા
વર્ષ 2020માં તત્કાલિન ડેપ્યુટી સીએમ સચિન પાયલટે રાજસ્થાન કોંગ્રેસના 20 ધારાસભ્યો સાથે બળવો કર્યો હતો. તમામ ધારાસભ્યો હરિયાણાના માનેસર ચાલ્યા ગયા હતાં. ધારાસભ્યોના બળવાના કારણે અશોક ગેહલોતની સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અહેમદ પટેલ સાથે મળીને પ્રિયંકાએ કટોકટી ઉકેલવાની જવાબદારી લીધી હતી. પ્રિયંકા અને પટેલ સક્રિય થતાં જ પાયલોટ કેમ્પ નરમ પડ્યો હતો. ધારાસભ્યો હોટલમાંથી રાજસ્થાન પરત ફરવા લાગ્યા અને અંતે સચિન પાયલટ પોતાની માંગણીઓ સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતાં. ત્યાર બાદ પાર્ટીએ ગેહલોત અને પાયલોટ વચ્ચે સમજૂતી કરી હતી.
3. અમરિન્દરને બદલી ચન્નીને બનાવ્યા CM
પંજાબમાં ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ તત્કાલિન સીએમ કેપ્ટન અમરિંદર સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. ચૂંટણીના વર્ષમાં ધારાસભ્યોની નારાજગીએ હાઈકમાન્ડનું ટેન્શન વધારી દીધું હતું. અહીં દિગ્ગજ નેતા કેપ્ટન અમરિંદર સિંહ પણ ખુરશી છોડવા તૈયાર નહોતા. પ્રિયંકાએ અહીં પણ કમાન પોતાના હાથમાં લીધી હતી અને સોનિયા સાથે 10, જનપથ પર સતત બેઠકો યોજી હતી. ધારાસભ્યોની નારાજગી જોઈ કેપ્ટને રાજીનામું આપ્યું હતું. કેપ્ટનના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈને હાઈકમાન્ડ પર પણ દબાણ વધ્યું હતું. બાદમાં પ્રિયંકાએ રાહુલ સાથે મળીને ચન્નીને સીએમ બનાવવાનો નિર્ણય કર્યો હતો. પંજાબમાં પહેલીવાર કોઈ દલિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાં.
4. હવે સુખુને સોંપી CMની ખુરશી
40 વર્ષ સુધી હોલી લોજ એટલે કે વીરભદ્ર પરિવારનું હિમાચલ પ્રદેશમાં વર્ચસ્વ હતું. આ વખતે પણ જીત બાદ માનવામાં આવતું હતું કે, પ્રતિભા સિંહને જ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પરંતુ છેલ્લી ઘડીએ તે સીએમની રેસમાંથી બહાર થઈ ગયા હતાં. સુખુને રાહુલ ગાંધીની નજીક હોવાનો ફાયદો મળ્યો હતો. ધારાસભ્યો પણ તેમની તરફેણમાં હતા. સુખુ સાથે હાઈકમાન્ડે મુકેશ અગ્નિહોત્રીને પણ ડેપ્યુટી સીએમ બનાવવાનો નિર્ણય લીધો હતો. જેને રાજ્યમાં ઠાકુર-બ્રાહ્મણ મતદારો વચ્ચે સંતુલન સાધવા માટેની રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.