આ તારીખે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મહાકુંભ જશે? અજય રાયે કર્યો મોટો ખુલાસો
દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગ વચ્ચે કોંગ્રેસ નેતાઓનો કુંભ પ્રવાસ, અજય રાયે સરકાર પર સાધ્યું નિશાન

Rahul Priyanka Gandhi Mahakumbh visit: કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા 19 ફેબ્રુઆરીએ મહાકુંભની મુલાકાત લેશે. પાર્ટી નેતા અજય રાયે આ માહિતી આપી હતી. આ જાહેરાત દિલ્હી રેલ્વે સ્ટેશન પર તાજેતરની નાસભાગની દુર્ઘટના વચ્ચે આવી છે, જેમાં ઘણા લોકોના જીવ ગયા હતા.
ઈટાવામાં મીડિયા સાથે વાત કરતા અજય રાયે જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓનો કુંભ સાથે જૂનો સંબંધ છે. તેમણે કહ્યું, "અમારા નેતાઓ અગાઉ પણ કુંભમાં જતા રહ્યા છે. પ્રિયંકા ગાંધી અને તેમના પહેલાં પણ ઘણા નેતાઓ કુંભમાં ગયા છે. આ પરંપરાને જાળવી રાખીને, અમે બધા કુંભમાં જઈશું, પવિત્ર સ્નાન કરીશું અને 'હર હર મહાદેવ'ના જાપ કરીશું."
રાહુલ અને પ્રિયંકા ગાંધીની (Rahun Gandhi and Priyanka Gandhi) કુંભ યાત્રા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. કોંગ્રેસ આ મુલાકાતને આધ્યાત્મિક ગણાવી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એને રાજકીય સ્ટંટ ગણાવી રહી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ માટે કુંભમાં જઈ રહી છે.
દરમિયાન, અજય રાયે દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી નાસભાગને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આ ઘટનાને દુઃખદ ગણાવી અને સરકારને જવાબદાર ઠેરવી હતી. "આ એક દુઃખદ ઘટના છે અને તેની જવાબદારી સરકારની છે. તમે બધાને બોલાવ્યા છે, પરંતુ કોઈ વ્યવસ્થા નથી," એમ તેમણે કહ્યું. રાયે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના તાત્કાલિક રાજીનામાની માંગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, શનિવારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી નાસભાગમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મહાકુંભમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ જઈ રહેલા શ્રદ્ધાળુઓ પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર એકઠા થયા હતા, જ્યાં ફૂટઓવર બ્રિજ પર ભીડ વધી જવાને કારણે નાસભાગ મચી ગઈ હતી.
મહા કુંભ મેળા પ્રશાસનના આંકડા મુજબ, શનિવાર સાંજ સુધીમાં 1.36 કરોડથી વધુ ભક્તોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું, જ્યારે 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 52.83 કરોડ ભક્તોએ પવિત્ર સ્નાનનો લાભ લીધો છે.
આ પણ વાંચો.....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
