(Source: ECI/ABP News/ABP Majha)
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
કેન્દ્ર સરકાર ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સતત કામ કરી રહી છે. આ નંબર પર ફરિયાદ કર્યા બાદ પોલીસ અને એજન્સી તરત જ એક્શનમાં આવી જાય છે.
કેન્દ્ર સરકાર ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સતત કામ કરી રહી છે. આ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ટોલ ફ્રી મોબાઈલ નંબર 155260 જાહેર કરવામાં આવ્યો હતો, જ્યાં કોઈપણ ભારતીય નાગરિક બેન્ક અથવા મોબાઈલ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી શકે છે, જેને હવે સરકારે બદલીને 1930 કરી દીધો છે. આ નંબર પર ફરિયાદ કર્યા બાદ પોલીસ અને એજન્સી તરત જ એક્શનમાં આવી જાય છે. ઉપરાંત, માહિતી તાત્કાલિક અસરથી બેન્ક સુધી પહોંચે છે. જેથી છેતરપિંડીની રકમ રિકવર કરી દેવામાં આવે છે
Helpline Number 155260 has been changed to 1930. In case of cyber fraud, may register complaint at https://t.co/pVyjABL7qd and take assistance on #helpline No. 1930. pic.twitter.com/MjODSHHNO7
— Cyber Dost (@Cyberdost) February 17, 2022
કેવી રીતે કૉલ કરવો
જો તમારી સાથે બેન્ક છેતરપિંડી થઈ છે, તો તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 1930 પર કોલ કરવો પડશે. જ્યારે તમે બેન્ક સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી કૉલ કરશો ત્યારે જ ફરિયાદ નોંધવામાં આવશે.
આ પછી તમને તમારું નામ, એકાઉન્ટ નંબર, કાર્ડ નંબર, વોલેટની માહિતી વિશે પૂછવામાં આવશે. આ સમય દરમિયાન તમારે પિન નંબર બતાવાનો નથી. તમારી તમામ વિગતો સંબંધિત બેન્કને મોકલવામાં આવશે જ્યાં બેન્ક ફ્રોડની ઘટના બની છે. આ સાથે તમારી છેતરપિંડીની ફરિયાદ રિઝર્વ બેન્ક અને પોલીસમાં પણ કરવામાં આવશે. આ સર્વિસથી UPI પેમેન્ટ એપ અને તમામ નાણાકીય ટ્રાન્જેક્શન સંસ્થાઓ લિંક છે
આ સર્વિસ કેવી રીતે કામ કરે છે?
કોઈપણ બેન્કિંગ ટ્રાન્જેક્શન પૂર્ણ થવામાં સમય લે છે. જ્યારે તમે UPI પેમેન્ટ અથવા અન્ય કોઈપણ ઓનલાઈન ટ્રાન્જેક્શન કરો છો ત્યારે તરત જ તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે, પરંતુ એક બેન્કમાંથી બીજી બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરવામાં સમય લાગે છે. આવી સ્થિતિમાં જો તમે 24 કલાકની અંદર ફરિયાદ દાખલ કરો છો તો તમારા પૈસાની લેવડદેવડ બંધ થઈ શકે છે અને પૈસા તમને પરત કરી શકાય છે.
નોંધ - તમારે 24 કલાકની અંદર આ ફરિયાદ નોંધાવવાની રહેશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ ગયા તો પણ તમે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ એટલે કે www.cybercrime.gov.in પર અરજી દાખલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.