Sandeshkhali: પશ્વિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના શોષણની તપાસ કરશે સીબીઆઇ, હાઇકોર્ટનો આદેશ
Sandeshkhali: સંદેશખાલીમાં EDના અધિકારીઓ પર થયેલા હુમલાની પણ CBI દ્ધારા તપાસ કરવામાં આવી રહી છે.
Sandeshkhali: પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. હવે કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓના જાતીય શોષણ અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. સંદેશખાલીમાં EDના અધિકારીઓ પર થયેલા હુમલાની પણ CBI દ્ધારા તપાસ કરવામાં આવી રહી છે.
બુધવારે પોતાના આદેશમાં કોલકત્તા હાઈકોર્ટે કોર્ટની દેખરેખ હેઠળ સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અને જમીન પચાવી કરવાના આરોપોની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. ગત ગુરુવારે હાઈકોર્ટે સંદેશખાલીની ઘટનાઓને લઈને રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. સંદેશખાલીમાં હિંસા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે આ મામલો ખૂબ જ શરમજનક છે. દરેક નાગરિકને સુરક્ષા આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. કોર્ટે કહ્યું હતું કે સંદેશખાલી કેસમાં જિલ્લા વહીવટીતંત્ર અને પશ્ચિમ બંગાળ સરકાર બંનેએ નૈતિક જવાબદારી લેવી જોઈએ.
સંદેશખાલીની સ્થાનિક મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક ટીએમસી નેતાઓએ તેમની જમીન બળજબરીથી કબજે કરી છે. કેટલીક મહિલાઓએ ટીએમસી નેતાઓ પર બળાત્કારના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. આ મુદ્દે બંગાળના રાજકારણમાં હલચલ મચી ગઇ હતી. વાસ્તવમાં સંદેશખાલી કેસમાં મુખ્ય આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખ છે. શાહજહાં શેખ પર ED ટીમ પર હુમલો કરવાનો પણ આરોપ છે. આ ઉપરાંત તેનું નામ બંગાળના રાશન કૌભાંડમાં પણ છે. આ જ કારણ છે કે ભાજપે આ મુદ્દે ટીએમસી સરકારને ઘેરી હતી અને સરકાર પર ગુનાહિત તત્વોને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.
વાસ્તવમાં કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં કથિત બળાત્કાર, મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે સંદેશખાલીમાં કેસની જટિલતાને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેમાં કોઈ શંકા નથી. કોર્ટે એમ પણ કહ્યું કે રાજ્યની જે પણ એજન્સીને તપાસનો હવાલો આપવામાં આવશે, તેને પણ યોગ્ય સમર્થન આપવું પડશે.
ભાજપે રાજ્ય પોલીસ પર પક્ષપાતી કાર્યવાહી કરવાનો આરોપ પણ લગાવ્યો. ભારે દબાણ બાદ બંગાળ પોલીસે 29 ફેબ્રુઆરીએ મુખ્ય આરોપી શાહજહાં શેખની ધરપકડ કરી હતી. આ મામલાની સીબીઆઈ દ્ધારા તપાસ કરવા હાઈકોર્ટમાં માંગ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હાઈકોર્ટના આદેશ બાદ શાહજહાં શેખને સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.