Sidhu Moose Wala Murder: જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને હવે પોતાનું એન્કાઉન્ટર થવાનો ડર, જાણો શું માંગ કરી
દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલે એનઆઈએ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે.
Sidhu Moose Wala Murder: દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના (Lawrence Bishnoi) વકીલે એનઆઈએ (NIA) કોર્ટમાં એક અરજી દાખલ કરીને લોરેન્સ બિશ્નોઈની સુરક્ષા વધારવા માટે માંગ કરી છે. અરજીમાં એ પણ કહેવાયુ છે કે, વિરોધી ગેંગ લોરેન્સ બિશ્નોઈને મારવાનો પ્રયત્ન કરી શકે છે. અરજીમાં જણાવ્યું છે કે, પંજાબ પોલીસ દ્વારા લોરેન્સ બિશ્નોઈનું ફેક એન્કાઉન્ટર થવાની પણ શક્યતા છે.
એનઆઈએ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવાયું છે કે, હાલ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી પંજાબ કે અન્ય રાજ્યની પોલીસને ના આપવામાં આવે. બીજા રાજ્યની પોલીસને હાલ બિશ્નોઈની કસ્ટડી આપવાની જરુર નથી. પોલીસ બિશ્નોઈની જેલમાં જ પુછપરછ કરી શકે ચે. જો બીજા રાજ્યની કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈને રજુ કરવાનો થાય તો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેને કોર્ટમાં રજુ કરવામાં આવે.
કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યોઃ
જો કે, સ્પેશ્યલ જજ પ્રવીણ સિંહે હાલ માટે લોરેન્સ બિશ્નોઈના વકીલે કરેલી આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, હજુ સુધી અન્ય કોઈ રાજ્યનું પ્રોડક્શન વોરંટ જાહેર કરવામાં આવ્યું નથી. માત્ર એન્કાઉન્ટરની આશંકાથી કોર્ટ આવો કોઈ આદેશ અગાઉથી આપી શકે નહીં. બીજી તરફ હાલ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી રહી છે.
Sidhu Moose Wala Murder Case : સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે પંજાબ પોલીસે પંજાબ અને ઉત્તરાખંડની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) સાથે સંયુક્ત ઓપરેશનમાં લોકપ્રિય ગાયકની હત્યાના સંબંધમાં દેહરાદૂનના પેલિયન પોલીસ ચોકી વિસ્તારમાંથી છ શખ્સોની અટકાયત કરી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા તમામ છ લોકોની હાલમાં પંજાબ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગઈકાલે 29 મેં ના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે તિહાર જેલ પ્રશાસન સાથે મળીને, મૂઝ વાલાની હત્યાના સંબંધમાં લોરેન્સ બિશ્નોઈ, જગ્ગુ ભગવાનપુરિયા અને સંપત નેહરાના કેદીઓના સેલની તપાસ કરી હતી. જો કે અધિકારીઓને સર્ચ દરમિયાન કોઈ મોબાઈલ ફોન મળ્યો ન હતો. બિશ્નોઈ અને નેહરા જેલ નંબર 8 માં બંધ છે જ્યારે ભગવાનપુરિયા જેલ નંબર 5 માં બંધ છે.પંજાબ પોલીસને આ હત્યામાં બિશ્નોઈ અને તેના સાથીઓની સંડોવણી હોવાની શંકા છે.