Sonali Phogat Death Case: સોનાલી ફોગાટના મોત મામલે ગોવા પોલીસે 2 લોકો સામે હત્યાનો કેસ નોંધ્યો
બીજેપી નેતા અને ટિક ટોક સ્ટાર સોનાલી ફોગાટના મોતના બનાવમાં ગોવા પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે. સોનાલી ફોગાટના ભાઈની ફરિયાદના આધારે પોલીસે આ કેસમાં હત્યાની કલમ ઉમેરી છે.
Sonali Phogat Death: બીજેપી નેતા અને ટિક ટોક સ્ટાર સોનાલી ફોગાટના મોતના બનાવમાં ગોવા પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે. ફોગાટના ભાઈની ફરિયાદના આધારે પોલીસે આ કેસમાં હત્યાની કલમ ઉમેરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હરિયાણાના હિસારની રહેવાસી સોનાલી ફોગાટને શંકાસ્પદ હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેને મંગળવારે સવારે ઉત્તર ગોવા જિલ્લાના અંજુનામાં આવેલી સેન્ટ એન્થોની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં હાજર ડોક્ટરોએ સોનાલી ફોગાટને મૃત જાહેર કરી હતી.
સોનાલી ફોગાટના મૃત્યુ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો. ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH)માં બુધવારે પોસ્ટમોર્ટમ થવાનું હતું પરંતુ ફોગાટના ભાઈ રિંકુ ઢાકાએ બુધવારે દાવો કર્યો હતો કે, સોનાલી ફોગાટના બે સાથીઓ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. ઢાકાએ કહ્યું કે, ગોવા પોલીસ બે વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધે પછી જ પરિવાર પોસ્ટમોર્ટમની મંજૂરી આપશે.
Murder case registered against two persons in the death of BJP leader Sonali Phogat: Goa Police pic.twitter.com/KZYs5vWpui
— ANI (@ANI) August 25, 2022
ફોગાટના બે સાથીઓએ હત્યા કરીઃ રિંકુ ઢાકા
સોનાલી ફોગાટના ભાઈ રિંકુ ઢાકાએ ગોવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેની બહેનના બે સહયોગીઓ દ્વારા તેની હત્યા કરવામાં આવી છે. ઢાકાએ કહ્યું કે, મૃત્યુના થોડા સમય પહેલા સોનાલીએ તેની માતા, બહેન અને ભાભી સાથે વાત કરી હતી. ત્યારે તે નર્વસ થઈ ગઈ હતી અને તેના બે સાથીદારો સામે ફરિયાદ કરી રહી હતી.
રિંકુ ઢાકાએ દાવો કર્યો હતો કે, તેની બહેનના મૃત્યુ બાદ તેમના હરિયાણા ફાર્મ હાઉસમાંથી સીસીટીવી કેમેરા, લેપટોપ અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ ગુમ થઈ ગયા હતા. રિંકુ ઢાકાએ પોલીસ ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે, ત્રણ વર્ષ પહેલાં ફોગાટના એક સહયોગીએ તેના ભોજનમાં કંઈક ભેળવીને તેનું યૌન શોષણ કર્યું હતું અને બાદમાં તેને બ્લેકમેલ કરી હતી. આ ફરિયાદ પર હજુ સુધી કોઈ FIR નોંધવામાં આવી નથી.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે કહ્યું કે, રાજ્ય પોલીસ ફોગાટના મૃત્યુની વિગતવાર તપાસ કરી રહી છે. સાવંતે કહ્યું કે, ડોકટરો અને ગોવાના પોલીસ મહાનિર્દેશક જસપાલ સિંહના જણાવ્યા અનુસાર એવું લાગે છે કે ફોગાટનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.