Sonia Gandhi Health: સોનિયા ગાંધીને નાકમાંથી લોહી નીકળ્યું, શ્વાસ લેવામાં પણ સમસ્યા, કોંગ્રેસે જાહેર કર્યું હેલ્થ અપડેટ
Sonia Gandhi Health Update: જયરામ રમેશે જણાવ્યું કે સોનિયા ગાંધીના શ્વસનતંત્રના નીચેના ભાગમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળ્યું છે.
DELHI : કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને લઈને એક અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોનિયા ગાંધીની તબિયત વિશે જણાવ્યું કે 12 જૂને તેમના નાકમાંથી લોહી આવ્યું. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. સોનિયા ગાંધી હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં ડોક્ટરોની એક ટીમ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.
નાકમાંથી લોહી નીકળ્યું, શ્વાસ લેવામાં પણ સમસ્યા
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોનિયા ગાંધીની હેલ્થ અપડેટ જાહેર કર્યું. જેમાં તેણે કહ્યું કે સોનિયા ગાંધીને કોરોના થયા બાદ 12 જૂનના રોજ તેમના નાકમાંથી લોહી નીકળ્યું હોવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તરત જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
જયરામ રમેશના જણાવ્યા અનુસાર ગઈકાલે એટલે કે 16 જૂને ગુરુવારે સોનિયા ગાંધીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જયરામ રમેશે જણાવ્યું કે સોનિયા ગાંધીના શ્વસનતંત્રના નીચેના ભાગમાં ફંગલ ઇન્ફેક્શન જોવા મળ્યું છે. આ અને કોરોના પછી દેખાતા અન્ય લક્ષણોની સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે 2 જૂનના રોજ સોનિયા ગાંધી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.
23મીએ ED સમક્ષ હાજર થવાનું છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 23 જૂને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું છે. આ પહેલા EDએ સોનિયા ગાંધીને 8મી જૂને હાજર થવા જણાવ્યું હતું. પરંતુ 2 જૂનના રોજ, સોનિયા ગાંધીને કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે, તેમણે તપાસ એજન્સીને તેમના દેખાવ માટે નવી તારીખ આપવાનું કહ્યું હતું.
નરેશ પટેલ નહીં જોડાય રાજકારણમાં
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશના અહેવાલોનો અંત આવ્યો છે. પત્રકાર પરીષદ કરીને નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. નરેશ પટેલે કહ્યું કે, વડીલો ચિંતા કરે છે અને યુવાનો અને બહેનો ઇચ્છતા હતા કે હું રાજકારણમાં જોડાવ. ખોડલધામના પ્રકલ્પોને વેગ આપવાનો મારો પ્રયાસ. હાલ રાજકારણમાં મારો પ્રવેશ હાલ પૂરતો મોકૂફ રાખીશ. શિક્ષણ આરોગ્ય અને ખેતીમાં રોલ મોડેલ તરીકે રાજકોટ નજીક અમરેલી ગામે વિકાસ કરવામાં આવશે. નરેશભાઈએ મીડિયાનો પણ આભાર માન્યો. રાજકીય લોકોનો પણ આભાર માન્યો. ગુજરાતના અલગ અલગ સમાજના અગ્રણીઓનો આભાર માન્યો. હાલ પુરતો મોકૂફ પણ સમય અને સંજોગો શું કરાવે એ નક્કી નહિ.