ભાજપ શાસિત આ રાજ્યએ એક જ દિવસમાં 15 લાખ રસીના ડોઝ આપીને રેકોર્ડ બનાવ્યો, જાણો ગુજરાતમાં એક દિવસમાં કેટલા લોકોએ રસી લીધી
એક જ દિવસમાં રસી આપવાના રેકોર્ડ પર પ્રધાનમંત્રી મોદીએ ખુશી વ્યક્ત કરી હતી.
સોમવારથી તમામ વયજુથના નાગરિકો માટે કોરોના વેક્સિન વિનામૂલ્યે આપવાની શરૂઆત થતા જ દેશભરમાં રસીને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સોમવારે એક જ દિવસે દેશભરમાં 81 લાખથી વધુ નાગરિકોએ રસી લીધી હતી. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર સોમવારે નવી ગાઈડલાઈન જાહેર થતા એક જ દિવસમાં લગભગ 81 લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર સૌથી વધુ મધ્યપ્રદેશમાં એક જ દિવસમાં 15 લાખથી વધુ નાગરિકોએ કોરોનાની રસી લીધી. તો ગુજરાતમાં પણ એક દિવસમાં પાંચ લાખથી વધુ નાગરિકોએ કોરોનાની રસી લીધી. કર્ણાટકમાં દસ લાખથી વધુ ઉત્તર પ્રદેશમાં છ લાખથી વધુ હરિયાણામાં ચાર લાખથી વધુ નાગરિકોએ કોરોનાની રસી લીધી.
આ સિવાય હિમાચલ પ્રદેશ, પંજાબ, છત્તીસગઢ, ઝારખંડ, દિલ્લી, આંધ્રપ્રદેશ, જમ્મુ-કશ્મીરમાં પણ વેક્સિનેશનને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
એક જ દિવસમાં રસી આપવાના રેકોર્ડ પર પ્રધાનમંત્રી મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું આજે રસીકરણની રેકોર્ડ તોડતી સંખ્યા ઉત્સાહજનક છે. કોવિડ19 સામેની લડાઈમાં રસી આપણનું સૌથી મજબૂત હથિયાર બની રહેશે. વેલ ડન ઈન્ડિયા!
આજે જ કોરોના રસીકરણની ગાઈડલાઈન લાગુ કરવામાં આવી છે. જે અનુસાર, કેંદ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોને વેક્સીન આપશે. ભારત સરકાર દેશમાં સ્થિત વેક્સિન પ્રોડક્શન કરતી કંપનીઓ પાસેથી કોરોનાની રસી 75 ટકા ખરીદશે.
પહેલા રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને 50 ટકા ખરીદવાની મંજૂરી આપી હતી. પરંતુ રાજ્યો દ્વારા પૈસા સહિત કેટલીક સમસ્યાઓની ફરિયાદ બાદ પ્રધાનમંત્રી મોદીએ રસીકરણના દિશાનિર્દેશોમાં બદલાવની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે, દેશમાં 88 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સાથે જ સતત બીજા દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, ગઈકાલે દેશમાં 53256 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1422 લોકોના મોત થયા છે. આ પહેલા 23 માર્ચના રોજ 47262 કોરોના કેસ નોંધાયા હતા. વિતેલા દિવસે 78190 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 26356 એક્ટિવ કેસ ઘટ્યા છે.