Rain Forecast: દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, રેડ એલર્ટ કર્યું જાહેર, 291 રસ્તા બંધ
IMD એ આસામ, મેઘાલય અને ઉત્તર બંગાળમાં તોફાન અને ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ અને તોફાન માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Rain Forecast:હવામાન વિભાગે શનિવારે બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આસામ, મેઘાલય અને ઉત્તર બંગાળમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થળોએ તોફાન અને અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બિહાર અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ અને વાવાઝોડાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના પૂર્વીય રાજ્યોમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, દેશના પશ્ચિમી ભાગોમાં હવામાન સામાન્ય રહેવાની અપેક્ષા છે.
IMD એ જણાવ્યું હતું કે, શુક્રવાર રાત્રિના સેટેલાઇટ એનિમેશન દર્શાવે છે કે, ઉત્તર પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વીય ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, ઉત્તરી આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપ ટાપુઓ વિસ્તારમાં ગરમ પવન ઝડપથી ઠંડા વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. આ પ્રક્રિયા સાથે જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરી છત્તીસગઢ અને ઉત્તરપૂર્વીય રાજ્યો, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, સાથે રાત્રે ક્યારેક ક્યારેક ભારે વરસાદ પણ પડી શકે છે.
દિલ્હીમાં હળવો વરસાદ થવાની શક્યતા
હવામાન વિભાગે શનિવારે દિલ્હીમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું હતું કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 35 અને 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. શુક્રવારે હળવો વરસાદ પડ્યો હોવા છતાં, દિલ્હીમાં ભેજવાળું હવામાન રહ્યું અને સંબંધિત ભેજનું સ્તર 90 થી 91 ટકાની વચ્ચે રહ્યું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મહત્તમ તાપમાન 33.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. વરસાદ મર્યાદિત હતો.
મનાલી-લેહ હાઇવે પણ બંધ
મંડીના પોલીસ અધિક્ષક સાક્ષી વર્માએ જણાવ્યું હતું કે વરસાદ બંધ થતાં જ રસ્તાની એક બાજુથી વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવશે. મશેરન નાળામાં પાણી ભરાવાથી અને રસ્તા પર મોટા પથ્થરો અને કાટમાળને કારણે લાહૌલ અને સ્પીતી જિલ્લાના જીસ્પાહ ખાતે મનાલી-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 બંધ કરવામાં આવ્યો હતો. રસ્તા પર કાટમાળ પડતા વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે અને અહીં પૂરથી ઘણા લોકોના ખેતરો તબાહ થઈ ગયા છે. લાહૌલ અને સ્પીતીના ધારાસભ્ય અનુરાધા રાણાએ જણાવ્યું હતું કે રસ્તા પરથી કાટમાળ દૂર કરવા માટે મશીનો કામ પર લગાવવામં આવી છે અને વહીવટીતંત્ર કામમાં લાગી ગયું છે.
291 રસ્તા બંધ
બિલાસપુર જિલ્લાના સમલાટુ નજીક ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 21 પર એક તરફી ટ્રાફિક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જે ભૂસ્ખલનને કારણે ફરી એકવાર બંધ થઈ ગયો હતો. હાલમાં, રસ્તાની બીજી બાજુ સંપૂર્ણપણે કાટમાળથી ઢંકાયેલી છે. ભૂસ્ખલનની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, બિલાસપુરના ડેપ્યુટી કમિશનર રાહુલ કુમારે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને ચેતવણી આપી છે કે જો ખૂબ જ જરૂરી હોય તો જ મુસાફરી કરો. હિમાચલ પ્રદેશમાં જુલાઈ મહિનામાં 25૦.૩ મીમી વરસાદ પડ્યો હતો, જે સરેરાશ ૨૫૫.૯ મીમી વરસાદ કરતાં બે ટકા ઓછો છે.





















