ટીએમસીના બળવાખોર સાંસદોની બેઠક રવિવાર, 14 જૂન, 2026 ના રોજ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને યોજાઈ હતી.
મમતા બેનર્જીના હાથમાંથી ગઈ TMC? 22 બળવાખોર સાંસદો ભાજપના નેતાને મળ્યા, કાલે સ્પીકરને મળીને....
કાકોલી ઘોષ દસ્તીદારના નેતૃત્વમાં બળવાખોર સાંસદોએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી, આવતીકાલે 15 જૂને લોકસભા સ્પીકરને મળીને અલગ માન્યતા માંગશે.

- TMC ના નારાજ સાંસદોએ દિલ્હીમાં ગુપ્ત બેઠક યોજી.
- કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને આ બેઠક થઈ.
- તેઓ લોકસભામાં અલગ જૂથ માન્યતા માટે સ્પીકરને મળશે.
- કાકોલી દસ્તીદાર 22 સાંસદો સાથે બળવાખોર જૂથનું નેતૃત્વ.
tmc rebel mps delhi meeting: પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. 15 વર્ષથી બંગાળ પર એકહથ્થુ શાસન કરનાર મુખ્યમંત્રી મમતા બેનર્જીના હાથમાંથી હવે તેમની જ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ધીમે ધીમે સરકી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રવિવારે, 14 જૂન 2026 ના રોજ TMC ના 20 થી વધુ બળવાખોર સાંસદોએ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના ઘરે એક અત્યંત મહત્વની બેઠક યોજી હતી. આ જૂથનું નેતૃત્વ કરી રહેલા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે એક મોટો ધડાકો કરતા જાહેરાત કરી છે કે તેઓ 15 જૂને લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને સંસદમાં પોતાના માટે એક અલગ જૂથની માન્યતા માંગશે અને કેન્દ્રમાં NDA સરકારને ટેકો આપશે. આ ઘટનાક્રમથી મમતા દીદીને બહુ મોટો રાજકીય ફટકો પડ્યો છે.
વિગતે વાત કરીએ તો, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને યોજાયેલી આ ખાનગી બેઠકમાં 14 થી 15 જેટલા નારાજ TMC સાંસદો હાજર રહ્યા હોવાના અહેવાલ છે. આ બેઠકમાં કાકોલી ઘોષ દસ્તીદારની સાથે સાયોની ઘોષ, માલા રોય, શતાબ્દી રોય, શર્મિલા સરકાર, પાર્થ ભૌમિક અને જગદીશ બાસુનિયા સહિતના ઘણા મોટા માથાઓ સામેલ હતા. શરૂઆતમાં આ સાંસદોની બેઠક કોલકાતામાં થવાની હતી, પરંતુ બાદમાં તેને દિલ્હી ખસેડવામાં આવી હતી. બંગાળના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી પણ આ બેઠકમાં હાજરી આપવાના હતા, પરંતુ સત્તાવાર કામકાજને લીધે તેઓ આવી શક્યા ન હતા.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે, એક સમયે મમતા દીદીના ખૂબ જ નજીકના અને વિશ્વાસુ ગણાતા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર જ હવે આ બળવાખોર સાંસદોના જૂથના નેતા બની ગયા છે. ભૂપેન્દ્ર યાદવ સાથેની મુલાકાત બાદ કાકોલીએ દાવો કર્યો હતો કે હવે તેમની સાથે કુલ 22 સાંસદોનું મજબૂત સંખ્યાબળ છે. અગાઉ તેમણે 20 સાંસદોના સમર્થનનો દાવો કર્યો હતો, જેમાં હવે વધુ 2 નવા સાંસદો જોડાયા છે. જોકે, તેમણે આ બે નવા સાંસદોના નામ જાહેર કરવાનો ઇનકાર કરતા કહ્યું કે જ્યાં સુધી તેઓ સત્તાવાર રીતે ગ્રુપમાં નહીં જોડાય ત્યાં સુધી તેમના નામ ગુપ્ત રાખવામાં આવશે. આ જૂથ માત્ર પાર્ટીથી અલગ નથી પડી રહ્યું, પરંતુ સીધી રીતે વિપક્ષની છાવણીમાં જઈને કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી NDA સરકારને ટેકો આપવાની તૈયારી કરી ચૂક્યું છે.
આ પણ વાંચોઃ મમતા બેનર્જીને મોટો ઝટકો! TMC માં ભયંકર બળવો, 20 સાંસદો સ્પીકરને મળશે, રાખશે આ મોટી માંગ
આ નેતાઓ બળવાખોર જૂથમાં નથી સામેલ
બીજી તરફ, TMC ના ઘણા વરિષ્ઠ નેતાઓ અને મમતા બેનર્જીના વફાદારો આ બળવામાં સામેલ નથી. અભિષેક બેનર્જી, કલ્યાણ બેનર્જી, સૌગત રોય, મહુઆ મોઇત્રા, કીર્તિ આઝાદ, શત્રુઘ્ન સિંહા, પ્રતિમા મંડલ અને સજદા અહેમદ જેવા દિગ્ગજોના હસ્તાક્ષર બળવાખોર પત્ર પર જોવા મળ્યા નથી.
પરંતુ, આ રાજકીય ડ્રામા વચ્ચે એક બીજો રસપ્રદ ઘટનાક્રમ પણ બન્યો છે. TMC ના વરિષ્ઠ સાંસદ સુદીપ બંદોપાધ્યાયે પણ શનિવારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ એવી અટકળો તેજ બની છે કે શું સુદીપ પણ બળવાખોર જૂથમાં જોડાશે? જોકે, હાલમાં આ અંગે કંઈ ચોક્કસ કહી શકાય તેમ નથી. એકંદરે જોઈએ તો, 20 થી વધુ સાંસદોની આ નારાજગી અને NDA ને ટેકો આપવાની જાહેરાતથી TMC પાર્ટીમાં બહુ મોટા ભાગલા પડતા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ મમતા બેનર્જીને મોટો ઝટકો: તૃણમૂલના 19 સાંસદો ભાજપના સંપર્કમાં? જુઓ બળવાખોરોનું લિસ્ટ
Frequently Asked Questions
ટીએમસીના બળવાખોર સાંસદોની દિલ્હીમાં બેઠક ક્યાં અને ક્યારે યોજાઈ?
બળવાખોર ટીએમસી સાંસદોનું આગામી પગલું શું છે?
તેઓ 15 જૂને લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને સંસદમાં પોતાના માટે એક અલગ જૂથ તરીકેની માન્યતા માંગશે.
ટીએમસીના બળવાખોર જૂથનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે અને તેમની સાથે કેટલા સાંસદો હોવાનો દાવો કરાયો છે?
મમતા દીદીના વિશ્વાસુ ગણાતા સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર આ જૂથનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કુલ 22 સાંસદોનું સંખ્યાબળ હોવાનો દાવો કર્યો છે.
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં કયા મુખ્ય સાંસદો હાજર હતા?
આ બેઠકમાં કાકોલી ઘોષ દસ્તીદાર, સાયોની ઘોષ, માલા રોય, શતાબ્દી રોય, શર્મિલા સરકાર, પાર્થ ભૌમિક અને જગદીશ બાસુનિયા સહિતના સાંસદો સામેલ હતા.






















