પાકિસ્તાને ચીન નહીં આ મુસ્લિમ દેશના હથિયારોથી ભારત પર કર્યો હુમલો - કર્નલ સોફિયા કુરેશીનો ઘટસ્ફોટ
પાકિસ્તાને ભારતના 36 સ્થળોને નિશાન બનાવ્યા, જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનનું રડાર સિસ્ટમ ધ્વસ્ત કર્યું, અનેક પાકિસ્તાની સૈનિકોને નુકસાન.

Turkish weapons in Pakistan attack: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી તણાવ અને હુમલા-વળતા હુમલાના પ્રયાસો વચ્ચે, વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આજે સાંજે ૫:૩૦ વાગ્યે એક પ્રેસ બ્રીફિંગ યોજાઈ હતી. આ દરમિયાન, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે 'ઓપરેશન સિંદૂર' અને પાકિસ્તાનના તાજેતરના હુમલાઓ અંગે મહત્વપૂર્ણ નવી માહિતી અને ખુલાસાઓ કર્યા હતા. કર્નલ સોફિયા કુરેશી દ્વારા પાકિસ્તાનના હુમલાઓની પદ્ધતિ અને તેમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો અંગે ચોંકાવનારી વિગતો આપવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગને સંબોધિત કરતા, કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના તાજેતરના હુમલાના પ્રયાસો અંગે વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાને ૮-૯ મે ની રાત્રે ભારતના ૩૬ સ્થળોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે આટલા મોટા ડ્રોન હુમલાનો અર્થ એ હતો કે પાકિસ્તાન ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીની તાકાત જાણવા માંગતું હતું.
પાકિસ્તાની હુમલામાં તુર્કીના ડ્રોનનો ઉપયોગ
કર્નલ સોફિયા કુરેશીએ અત્યંત મહત્વપૂર્ણ ખુલાસો કરતા જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં એ બહાર આવ્યું છે કે પાકિસ્તાને તેના હુમલાઓમાં તુર્કીમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાને ૩૬ સ્થળોએ ૪૦૦ થી વધુ ડ્રોનથી હુમલો કર્યો હતો. ભટિંડા લશ્કરી મથકને પણ UAV થી નિશાન બનાવવાનો પ્રયાસ થયો હતો, જેને નષ્ટ કરવામાં આવ્યો હતો.
ભારતનો તાત્કાલિક અને અસરકારક જવાબ
કર્નલ સોફિયાએ જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આ હુમલાનો તાત્કાલિક અને અસરકારક જવાબ આપ્યો. ભારતે ડ્રોન વળતો હુમલો કર્યો, જેમાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર સિસ્ટમ સંપૂર્ણપણે નષ્ટ પામી. ભારતે પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવાયેલા મોટાભાગના ડ્રોનનો નાશ કર્યો અને જવાબી કાર્યવાહીમાં ૪ કાઉન્ટર ડ્રોન પણ લોન્ચ કર્યા. તેમણે તસવીર બતાવતા કહ્યું કે ભારતીય વાયુસેનાએ ખૂબ જ સંયમ દાખવ્યો છે.
પાકિસ્તાનની રણનીતિ: નાગરિક વિમાનોને ઢાલ બનાવ્યા
કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનની અમાનવીય રણનીતિનો પણ પર્દાફાશ કર્યો. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન તેના નાગરિક વિમાનનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યું છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે પાકિસ્તાને હુમલા દરમિયાન કરાચીથી લાહોર જતી ફ્લાઇટને કાર્યરત રાખી હતી અને દમ્મામથી લાહોર ફ્લાઇટને લેન્ડ પણ કરાવી હતી. તેમ છતાં ભારતે નાગરિક વિમાનને કોઈ નુકસાન થવા દીધું ન હતું, જે ભારતનો સંયમ દર્શાવે છે.
LOC પર ભારે ગોળીબાર અને નુકસાન
કર્નલ સોફિયાએ જણાવ્યું કે પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર પણ ભારે ગોળીબાર કર્યો છે. તંગધાર, ઉરી અને ઉધરપુરમાં ભારે ગોળીબાર થયો છે અને પાકિસ્તાની ગોળીબારથી નુકસાન થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાના કેટલાક સૈનિકો શહીદ થયા હોવાનું પણ તેમણે જણાવ્યું, અને સાથે જ પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું હોવાનું કહ્યું. ભારતીય વાયુસેનાના જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સેનાને ભારે નુકસાન થયું છે અને આ તેના લશ્કરી કાર્યવાહી માટે મોટો આંચકો છે.





















