Unparliamentary Words Row: 'અસંસદીય શબ્દો'ની યાદી પર થયો વિવાદ, લોકસભા સ્પિકરે વિવાદ અંગે કરી સ્પષ્ટતા
દેશની સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભામાં શબ્દોના ઉપયોગ કરવા અંગે જાહેર કરાયેલી યાદી પર વિવાદ થયો છે.
Unparliamentary Words Controversy: દેશની સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભામાં શબ્દોના ઉપયોગ કરવા અંગે જાહેર કરાયેલી યાદી પર વિવાદ થયો છે. લોકસભા સચિવાલય તરફથી શબ્દોની એક લાંબી યાદી જાહેર કરાઈ છે. આ શબ્દોને બંને સદનોમાં 'અસંસદીય' ગણવામાં આવશે. આ વિવાદની વચ્ચે હવે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ (Om Birla) સ્પષ્ટતા કરી છે અને તેમણે કહ્યુ છે કે, આ ફક્ત એક લોકસભાની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા 1959થી ચાલી આવે છે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આ પ્રક્રિયામાં જ્યારે પણ સંસદમાં સંવાદ દરમિયાન કોઈ સભ્યો ચર્ચા દરમિયાન કોઈ શબ્દનો ઉપયોગ કરે છે તો પીઠાસીન અધિકારી તેને અસંસદીય શબ્દ જાહેર કરે છે. અમે તેનું સંકલન કરીએ છીએ. પહેલાં આ શબ્દોની યાદીનું પુસ્તક બહાર પડાતું હતું. પરંતુ કાગળનો ઉપયોગ ઓછો થાય તે માટે આ વખતે આ શબ્દોનું પુસ્તક ઓનલાઈન જાહેર કરાયું છે.
કોઈ શબ્દ પર પ્રતિબંધ નથી મુક્યોઃ
લોકસભા સ્પીકરે વધુમાં કહ્યું કે, એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે કોઈ પણ શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું કે વર્ષ 1954, 1986, 1992, 1999, 2004, 2009માં પણ આ શબ્દોનું સંકલન બહાર પાડવામાં આવ્યું છે. વર્ષ 2010 પછી આ સંકલન વાર્ષિક ધોરણે બહાર પડવાનું શરૂ થયું છે. તેમણે કહ્યું કે કોઈ પણ સભ્યનો બોલવાનો અધિકાર કોઈ છીનવી શકે નહીં. પરંતુ મર્યાદીત ચર્ચા થવી જોઈએ.
લોકસભા સચિવાલયે યાદી જાહેર કરીઃ
જણાવી દઈએ કે, લોકસભા સચિવાલયે અસંસદીય શબ્દો 2021 શીર્ષક હેઠળ આવા શબ્દો અને વાક્યોની યાદી બહાર પાડી છે, જેને લોકસભા અને રાજ્યસભા સહિત રાજ્યની વિધાનસભાઓમાં અસંસદીય જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં સમાવિષ્ટ શબ્દોને 'અસંસદીય અભિવ્યક્તિ' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ અંતર્ગત બંને ગૃહોમાં ચર્ચા દરમિયાન જુમલાજીવી, કોરોના સ્પ્રેડર, જયચંદ, શકુની, લોલીપોપ, ચંડાલ ચોકડી, ગુલ ખીલાયા, પિઠ્ઠુ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે નહીં.