Covishield for Children: બાળકો માટે રસી ક્યારે આવશે, સીરમના CEO અદાર પૂનાવાલાએ શું કહ્યું ? જાણો
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ જણાવ્યું કે પૂણે સ્થિત વેક્સિન નિર્માતા કંપની આગામી 6 મહિનામાં બાળકો માટે કોરોના વાયરસ વેક્સિન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ જણાવ્યું કે પૂણે સ્થિત વેક્સિન નિર્માતા કંપની આગામી 6 મહિનામાં બાળકો માટે કોરોના વાયરસ વેક્સિન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. અદાર પૂનાવાલાએ કહ્યું કે વેક્સિન જે બાળકો માટે તૈયાર કરવામાં આવશે, તે અમેરિકાની બાયોટેક્નોલોજી કંપની નોવાવેક્સ (Novavax)ની કોવિડ 19 વેક્સિન છે. તેમણે કહ્યું કે કોવોવેક્સ (Covovax)નામથી તેમની કંપની દ્વારા સ્થાનિક સ્તરે તેને તૈયાર અને ઉત્પાદન કરવામાં આવશે.
સમાચાર એજન્સી એએનઆઈના મુજબ અદાર પૂનાવાલાએ કહ્યું કે અમે બાળકોમાં ગંભીર બિમારી જોઈ નથી. હાલમાં બાળકોને લઈ ગભરાવવાની વાત નથી. અમે 6 મહિનામાં તેમના માટે એક વેક્સિન લોન્ચ કરીશું. આશા છે કે આ વેક્સિન 3 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે પણ હોય. પૂનાવાલા દિલ્હીમાં એક ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે અમારી કોવોવેક્સ રસીની ટ્રાયલ ચાલી રહી છે. આ રસીએ ત્રણ વર્ષની વય જૂથ સુધી તમામ બાબતોમાં ઉત્તમ ડેટા દર્શાવ્યો છે. આવનારા 6 મહિનામાં વેક્સિનને લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે દુનિયાના ઘણા દેશોમાં બાળકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEOએ પણ બાળકોને વેક્સિન લગાવવાની વકાલત કરી. તેમણે કહ્યું મને લાગે છે કે તમારે તમારા બાળકોને વેક્સિન લગાવવી જોઈએ. જેમાં કંઈ ખોટુ નથી. આ વેક્સિન સુરક્ષિત અને પ્રભાવી સાબિત થઈ છે. બસ સરકારની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે અને પછી તમે આ દિશામાં આગળ વધી શકો છો.
રાષ્ટ્રવ્યાપી વેક્સિનેશન કાર્યક્રમ હેઠળ હાલમાં 18 વર્ષથી વધુ ઉંમરના યોગ્ય લોકોને વેક્સિન લગાવવામાં આવી રહી છે. ભારતમાં વેક્સિનેશનની શરૂઆત ઘણા ચરણો હેઠળ શરૂ કરવામાં આવી હતી. વેક્સિનેશનના પ્રથમ ચરણની શરૂઆત 16 જાન્યુઆરીએ થઈ હતી. જેની હેઠળ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સિન લગાવવામાં આવી હતી.
Coronavirus India Update:
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 17માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. જોકે કેરળમાં હજુ પણ સ્થિતિ ખરાબ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 5784 નવા કેસ નોંધાયા છે અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 7995 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 88,993 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4308 કેસ નોંધાયા છે અને 203 સંક્રમિતોના મોત થયા છે.