MP: મેળો જોવા ગયેલી યુવતીઓ સાથે જાહેરમાં છેડતી, વીડિયો વાયરલ
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં કેટલીક યુવતીઓની જાહેરમાં છેડતી કરવામાં આવી હતી
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં કેટલીક યુવતીઓની જાહેરમાં છેડતી કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટના વાલપુર ગામની છે. યુવતીઓ ભગોરિયા મેળો જોવા જઇ રહી હતી ત્યારે કેટલાક છોકરાઓએ તેની છેડતી કરી હતી અને જાહેરમાં અશ્લિલ હરકત કરવા લાગ્યા હતા.
વીડિયોના આધારે પોલીસ આરોપીને શોધી રહી છે. આ સાથે પોલીસે વીડિયો વાયરલ કરનાર વ્યક્તિની પણ પૂછપરછ કરી હતી. આ મામલામાં એસપી અલીરાજપુર પોતે વાલપુર ગામમાં પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી. એસપીએ દાવો કર્યો હતો પોલીસ ઝડપથી આરોપીઓને ઝડપી લેશે.
નોંધનીય છે કે શુક્રવાર સાંજથી જિલ્લામાં સોશિયલ મીડિયા પર એક વાંધાજનક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. જેમાં કેટલાક યુવકો મેળામાં યુવતીઓ સાથે ખુલ્લેઆમ અશ્લીલ હરકતો કરી રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ વીડિયો ધારના રહેવાસી યુવકે બનાવ્યો હતો અને અલીરાજપુરના રહેવાસી યુવકે આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ કર્યો હતો.
બંને યુવકોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનાને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસને આવેદનપત્ર પણ આપ્યું છે.