Weather Update: નદીઓ ગાંડીતૂર, રસ્તા પાણીમાં ગરકાવ, આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદની આગાહી
Weather Forecast: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ આગળ પણ ચાલુ રહેશે. સોમવારે હિમાચલ પ્રદેશ, પંજાબ અને દિલ્હીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
Weather Today: દેશભરમાં વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. સોમવારે 10 જુલાઈએ રાષ્ટ્રીય રાજધાનીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદમાં 15 ઈમારતો ધરાશાયી થઈ છે. અનેક સાંસદોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. દિલ્હીના ગાઝિયાબાદમાં આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે. ગુરુગ્રામમાં વરસાદને કારણે લોકોની હાલત દયનીય છે.
ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેને જોતા પાંચ જિલ્લા દેહરાદૂન, ઉત્તરકાશી, નૈનીતાલ, અલ્મોડા અને ઉધમ સિંહ નગરમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉત્તરકાશી અને દેહરાદૂનમાં 10 જુલાઈ, 10 અને 11 જુલાઈએ ઉધમ સિંહ નગર, અલ્મોડામાં 10 થી 12 જુલાઈ અને નૈનીતાલમાં 10 થી 13 જુલાઈ સુધી ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
ક્યાં ક્યાં વરસાદ પડશે
હવામાન વિભાગે સોમવારે પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 10-12 જુલાઈ સુધી ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે. કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ આગામી 3 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. જોકે, આ પછી તેમાં ઘટાડો થવાની ધારણા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં સમગ્ર પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી જારી કરી છે. કર્ણાટક અને કેરળમાં આગામી 5 દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
— RWFC New Delhi (@RWFC_ND) July 9, 2023
હવામાન વિભાગે આગામી 5 દિવસમાં પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આસામ અને મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ઝારખંડમાં 10-12 જુલાઈ વચ્ચે ભારે વરસાદ થવાની સંભાવના છે. સોમવારથી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને બિહારમાં 11-13 જુલાઈ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.
ગુજરાતમાં શ્રીકાર વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના પગલે સતત ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાજેતરના હવામાનના અપડેટની વાત કરીએ તો ફરી હવામાન વિભાગે હજુ આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.