CDS Bipin Rawat Death: અમદાવાદના શહીદ નિલેશ સોનીના પરિવારને જનરલ રાવતે શું કરી હતી મોટી મદદ ?
શિયાચીન ગ્લેશિયરમાં ઓપરેશન મેઘદૂત સમયે દુશ્મન સામે લડતાં લડતાં અમદાવાદના યુવાન કેપ્ટન નિલેશ સોનીએ માત્ર 25 વર્ષની ઉંમરમાં શહાદત વહોરી હતી
દેશના ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને ૧૧ સૈન્ય અધિકારીઓનું તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશ થતા મોત નિપજ્યું છે. આ ઘટના તામિલનાડુના કુન્નૂરની પાસે જંગલમાં બની હતી. સીડીએસ જનરલ રાવત, તેમના પત્ની અને અન્ય ૧૧ સૈન્ય અધિકારીઓને લઇને જઇ રહેલા હેલિકોપ્ટરના પાયલટે અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને એક જંગલમાં જઇને ક્રેશ થઇ ગયું હતું. જોકે આ ઘટનામાં એક સૈન્ય અધિકારી બચી ગયા છે પણ તેમની સ્થિતિ ગંભીર છે અને હાલ સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સીડીએસ બિપિન રાવત ખૂબ જ ઉદાર દિલના અને સરળ વ્યક્તિ હતા તેમનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ શહેરના પાલડી ભઠ્ઠા પાસે આવેલી દત્ત સોસાયટીમાં રહેતા શહીદ કેપ્ટન નિલેશ સોનીના પરિવારને સિયાતીન રણભૂમિની પવિત્ર માટી ને કાર્ટ્રીઝ તેમના જન્મદિવસે અપાવીને પરિવારની ઇચ્છા પૂરી કરી હતી.
શિયાચીન ગ્લેશિયરમાં ઓપરેશન મેઘદૂત સમયે દુશ્મન સામે લડતાં લડતાં અમદાવાદના યુવાન કેપ્ટન નિલેશ સોનીએ માત્ર 25 વર્ષની ઉંમરમાં શહાદત વહોરી હતી. અમદાવાદમાં અંજલિ ચાર રસ્તા પાસે રહેતા શહીદ કેપ્ટનના મોટા ભાઈ જગદીશ સોનીએ 21 જૂન 2021માં CDS બિપિન રાવતને પત્ર લખ્યો હતો અને તેમના નાનાંભાઈ જ્યાં શહીદ થયા હતા તે ભૂમિની માટી અને તોપખાનાની ખાલી કાર્ટ્રીજ સ્મૃતિરૂપે માગ્યા હતા. 20 જ દિવસમાં બિપિન રાવતે કાર્યવાહી કરાવીને માટી તથા કાર્ટ્રિજ આર્મીના અધિકારીઓને અમદાવાદ મોકલાવ્યાં હતાં.
CDS બિપિન રાવતને જ્યારે અમદાવાદથી જગદીશભાઈ સોનીનો પત્ર મળ્યો ત્યારે તેમણે તરત જ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તેમને શહીદ પરિવારો પ્રત્યે અત્યંત માન હતું. તેમણે ખાસ આદેશ આપીને હેલિકોપ્ટર સિયાચીન મોકલ્યું હતું અને જ્યાં કેપ્ટન નિલેશ સોની શહીદ થયા હતા તે ચંદન પોસ્ટ ભૂમિની માટી લેવડાવી હતી. આર્મીના નિયમ મુજબ, રેજિમેન્ટમાં તોપખાનાની કાર્ટ્રીજ રાખવામાં આવે છે, તે ક્યારેય રેજિમેન્ટની બહાર જતી નથી. પણ બિપિન રાવતે વિશેષ ઓર્ડરથી આ કાર્ટ્રીજ કઢાવી આપી હતી. કેપ્ટન નિલેશ સોનીના 59મા જન્મદિવસે 13 જુલાઈ 2021ના દિવસે અમદાવાદમાં 62 ફિલ્ડ રેજિમેન્ટના અધિકારીઓ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને સિયાચીનની માટી અને કાર્ટ્રીજ જગદીશભાઈ સોનીને આપ્યા હતા. આ રીતે પત્ર લખ્યાના 20 જ દિવસમાં બિપિન રાવતે કાર્યવાહી કરાવી હતી.