Cyclone Remal: ક્યાં પહોંચ્યું વાવાઝોડું રેમલ, 120 કિમીની સ્પીડથી કયા-કયા રાજ્યોમાં મચાવી શકે છે અસર? જાણો ગુજરાત પર ખતરો છે કે નહીં
IMD એ 26-27 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની બુલેટિન ચેતવણી જારી કરી છે. ઉત્તરપૂર્વ ભારતના ભાગોમાં 27-28 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે.
Cyclone Remal Updates:ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયા કિનારે ટકરાશે. વાવાઝોડું બંગાળની ખાડીમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે, જે આજે ચક્રવાતમાં ફેરવાઈ જશે અને શનિવાર રાત સુધીમાં ગંભીર રૂપ ધારણ કરી લેશે. વાવાઝોડું પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાશે. ગુજરાત પર આ વાવાઝોડાની ખૂબ ઓછી અસર થશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
માછારોને દરિયો ન ખેડવા સલાહ
IMD એ 26-27 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની બુલેટિન ચેતવણી જારી કરી છે. ઉત્તરપૂર્વ ભારતના ભાગોમાં 27-28 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયામાં હાજર માછીમારોને 27 મે સુધી કિનારે પાછા ફરવાની અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
90 થી 100 કિમી પ્રતિ કલાકથી ઝડપે ફૂંકાઈ શકે છે પવન
હવામાન વિભાગે 26 અને 27 મેના રોજ પશ્ચિમ બંગાળ, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે 26-27 મેના રોજ દક્ષિણ 24 પરગણામાં 100 થી 110 કિમી પ્રતિ કલાક કલાક ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે, તેમજ ભારે વરસાદની આગાહી કરી છે.
Depression over E-central BoB moved north northeastwards and lay centered at 2330 IST over E-central BOB about 640 km south of Canning (WB). To intensify into a cyclonic storm over E-central BoB by 25 evening and cross between Bangladesh and WB coasts around 26 midnight as SCS. pic.twitter.com/eVOX48Cu93
— India Meteorological Department (@Indiametdept) May 24, 2024
સિઝનનું પ્રથમ ચક્રવાત છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની પદ્ધતિ મુજબ તેનું નામ રેમલ રાખવામાં આવ્યું છે. આ નામ ઓમાન દ્વારા ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં નામકરણની સિસ્ટમ અનુસાર આપવામાં આવ્યું છે.
IMD એ પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાઓમાં સ્થાનિક પૂર અને માળખાં, પાવર અને ટેલિફોન વાયર, પાકા રસ્તાઓ, પાક અને બગીચાને વ્યાપક નુકસાનની ચેતવણી આપી છે. અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને ઘરની અંદર રહેવા અને સંવેદનશીલ માળખાં ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
વૈજ્ઞાનિકો કહે છે જેમ જેમ સમુદ્રની સપાટીનું તાપમાન વધી રહ્યું છે, ચક્રવાત વધુ તીવ્ર બની રહ્યા છે અને લાંબા સમય સુધી તેમની તાકાત જાળવી રાખે છે કારણ કે મહાસાગરો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાંથી મોટાભાગની વધારાની ઊર્જાને શોષી રહ્યાં છે. તેમણે કહ્યું કે 1880માં નોંધાયા બાદ છેલ્લા 30 વર્ષમાં દરિયાની સપાટીનું તાપમાન સૌથી વધુ છે.
આઈએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડી એસ પાઈના જણાવ્યા અનુસાર, દરિયાની સપાટીના ગરમ તાપમાનનો અર્થ વધુ ભેજ છે, જે ચક્રવાતની તીવ્રતા માટે અનુકૂળ છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવને જણાવ્યું હતું કે નીચા દબાણને ચક્રવાતમાં ફેરવવા માટે, સમુદ્રની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધુ હોવું જોઈએ. બંગાળની ખાડીમાં દરિયાની સપાટીનું તાપમાન હાલમાં 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે.