(Source: ECI/ABP News/ABP Majha)
શું Nitish Kumar બનશે દેશના નવા રાષ્ટ્રપતિ, બિહાર સરકારના મંત્રીએ કહી દીધી મોટી વાત
Presidential Election 2022: શું નીતિશ કુમાર બનશે દેશના આગામી રાષ્ટ્રપતિ? બિહારના રાજકીય વર્તુળોમાં આજકાલ આ પ્રશ્નને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.
Patna : રાષ્ટ્રપતિ પદ માટે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર (Nitish Kumar) ના નામને લઈને અચાનક બિહારનું રાજકારણ ગરમાયું છે. બિહાર સરકારના મંત્રીના મોટા નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે સ્થિતિ સ્પષ્ટ કરી છે.
નીતીશ કુમારમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના તમામ ગુણો : મંત્રી શ્રવણ કુમાર
બિહાર સરકારના મંત્રી શ્રવણ કુમારના નિવેદન બાદ નીતીશ કુમારની રાષ્ટ્રપતિ પદની દાવેદારીની ચર્ચાએ જોર પકડ્યું છે. શ્રવણ કુમાર બિહાર સરકારમાં મંત્રી છે અને સીએમ નીતિશ કુમારના ખૂબ નજીકના માનવામાં આવે છે.
શ્રવણ કુમારે થોડા દિવસો પહેલા મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે નીતીશ કુમારમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના તમામ ગુણો છે. જો તેમને તક મળે તો તેઓ દેશના રાષ્ટ્રપતિ બની શકે છે. શ્રવણ કુમારના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે.
શું કહ્યું નીતિશની પાર્ટીના અધ્યક્ષ લલન સિંહે?
લલન સિંહે કહ્યું છે કે બિહાર સરકારના મંત્રી શ્રવણ કુમારે કહ્યું હતું કે નીતીશ કુમાર પાસે રાષ્ટ્રપતિ પદ માટે તમામ યોગ્યતાઓ છે. ત્યારબાદ આ વાતને ચારેય બાજુથી સમર્થન મળવા લાગ્યું. લાલુ પ્રસાદની પાર્ટી આરજેડીએ પણ સમર્થન જાહેર કર્યું.
JDU અધ્યક્ષ લલન સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે નીતિશ કુમાર ન તો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે કે ન તો રાષ્ટ્રપતિ બનવાના છે. લલન સિંહે લખીસરાયમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી હતી. જેડીયુ પ્રમુખ લલન સિંહના નિવેદન બાદ હવે આવી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ શકે છે.
જુલાઈમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની તારીખ અને સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન થશે અને પરિણામ 21 જુલાઈએ જાહેર કરવામાં આવશે.