Wrestlers Protest: પહેલવાનો-ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં, સરકારને ખુલ્લી ધમકી
પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે, આજની પંચાયતમાં નક્કી કરવામાં આવ્યું છે કે, અમારા ખાપના લોકો અહીં રોજ આવશે. જો સરકાર 15 દિવસમાં સંમત નહીં થાય તો 21 મેના રોજ ફરીથી બેઠક થશે.
Wrestlers Protest At Jantar Mantar: ખેડુત નેતા રાકેશ ટિકૈતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજોની સાથે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગટ તેમજ રાકેશ ટિકૈત અને મહત ચૌબીસી ખાપ પંચાયતના વડાએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી છે.
પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે, આજની પંચાયતમાં નક્કી કરવામાં આવ્યું છે કે, અમારા ખાપના લોકો અહીં રોજ આવશે. જો સરકાર 15 દિવસમાં સંમત નહીં થાય તો 21 મેના રોજ ફરીથી બેઠક થશે અને તેમાં બેઠકમાં આગળની રણનીતિ શું હશે તે નક્કી કરવામાં આવશે. ખાપ પંચાયતના વડાએ કહ્યું હતું કે, ખાપ પંચાયત હોય કે ખેડૂત સંગઠન, અમે સૌ બહારથી કુસ્તીબાજોએ શરૂ કરેલા સંઘર્ષને સમર્થન આપીશું. અમે તેમનું આંદોલન મજબૂત કરીશું. બ્રિજભૂષણનું રાજીનામું લઈને તેને જેલમાં ધકેલી દેવો જોઈએ. અમારી દિકરીઓ પર હાથ ઉપાડનારને કોર્ટ દ્વારા સજા મળવી જોઈએ. સરકારને 21 મેની સમયમર્યાદા આપવામાં આવે છે. આ સમયમર્યાદા બાદ મોટો નિર્ણય લેવામાં આવશે.
રાકેશ ટિકૈતે શું કહ્યું?
તેમણે કહ્યું હતું કે, અમારા ગામના લોકો દિવસે આવશે અને રાત્રે નીકળી જશે. જેમને રાત્રી રોકાણ કરવાનું હોય તેઓ પણ રહી શકે છે. જે સમિતિ નક્કી થઈ ચૂકી છે, તે જ સમિતિ આ આંદોલન ચલાવશે. અમે બહારથી સમર્થન કરીશું. જો સરકાર 21મી સુધી મંત્રણા નહીં કરે અને ઉકેલ નહીં કાઢે તો ત્યાર બાદ ફરીથી રણનીતિ ઘડવામાં આવશે. આ દિકરા-દિકરીઓ આપણી અને દેશની ધરોહર છે. અમે શક્ય તમામ મદદ કરીશું. આજે સાંજે 7:00 કલાકે કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, આ આંદોલન લાંબા સમય સુધી ચાલશે. આપણે આ માટે તૈયાર રહેવું પડશે. દેશભરમાં આંદોલન ચલાવવા તૈયાર છીએ. 21મીએ 5 હજાર ખેડૂતો જંતર-મંતર સુધી કૂચ કરશે.
પોલીસ પરવાનગી સાથે
પોલીસની પરવાનગી પર તેમણે કહ્યું હતું કે, આજે પણ પોલીસ પાસે પરવાનગી નહોતી, પરંતુ તેમ છતાં અમે અહીં આવ્યા છીએ. અમે કોઈ જ આંદોલનને હાઈજેક કર્યું નથી. આ ચળવળ આ કુસ્તીબાજોની જ છે. તેમનો મારો બહારથી ટેકો છે.
વિનેશ ફોગાટે કહ્યું કે...
વિનેશ ફોગાટે કહ્યું હતું કે, બધા વડીલોનું સન્માન કરવામાં આવે છે. 21મી પછી અમારી તરફથી મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. નિર્ણય જે પણ હશે તે અમારા કોચ ખલીફાનો હશે. અમારા આંદોલનને કોઈએ હાઈજેક કર્યું નથી. દરેક દેશની દીકરીનું આંદોલન છે. લડાઈ ગમે તેટલી લાંબી હોય અમે લડવા તૈયાર છીએ. અમે ચોક્કસપણે સ્પર્ધામાં ભાગ લઈશું. અમે આયોજન કરી રહ્યા છીએ કે અમારી તાલીમ યથાવત જ રહે. અમારી એક જ માંગ છે કે, બ્રિજ ભૂષણની ધરપકડ થવી જોઈએ. જે બાદ તેમની પૂછપરછ થવી જોઈએ.