Jamnagar: રીલ બનાવવા રસ્તાની વચ્ચે ગરબે રમ્યા યુવક-યુવતીઓ, પોલીસે શું કરી કાર્યવાહી?
જામનગરમાં રસ્તાની વચ્ચે ગરબા ઘૂમતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો
જામનગરમાં રસ્તાની વચ્ચે ગરબા ઘૂમતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરના બેડી બંદર રોડ પર રીલ બનાવવા માટે કેટલાક યુવક અને યુવતીઓ રસ્તાની વચ્ચે ગરબે ઘૂમ્યા હતા. તેઓ ગરબા કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વીડિયોમાં રોડ સેફ્ટીના નિયમોનો ભંગ કરી કેટલાક યુવક-યુવતીઓ રસ્તાની વચ્ચે ગરબા રમતા હોય તેવું જોવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી હતી. એટલું જ નહી પોલીસે “રાસરસીયા ગરબા કલાસીસ”ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જામનગર પોલીસે ગરબા રમનાર બે જણાની અટકાયત કરી હતી. નોંધનીય છે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ લોકોમાં જાગૃતિ જોવા મળી રહી નથી. રસ્તાની વચ્ચે રીલ બનાવવાનો શોખ લોકોને ભારે પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના મોત થયા હતા. આ કેસમાં FSLની ટીમે ટ્રાફિક પોલીસને સોંપેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલ 80ની નહીં પરંતુ 141.27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાની જગુઆર કાર દોડાવી રહ્યો હતો. એટલુ જ નહી જગુઆર કારની બ્રેકમાં પણ કોઈ જ ક્ષતિ ન હોવાનો આરટીઓ વિભાગે રિપોર્ટ હોવાથી હવે ટ્રાફિક પોલીસે એ દિશામાં આગળ તપાસ હાથ ધરી છે. બુધવારે મોડી રાતે સવા વાગ્યે બનેલી ઘટના બાદ આરોપી તથ્ય પટેલની ટ્રાફિક પોલીસે ધરપકડ કરીને ત્રણ ત્રણ વખત રિકન્સ્ટ્રક્શન કર્યુ હતુ. જેમાં FLSની ટીમે રિકન્સ્ટ્રક્શન અને ઘટનાસ્થળના પુરાવા ભેગા કરીને ટ્રાફિક પોલીસને 24 જૂલાઈએ રિપોર્ટ આપ્યો હતો.
આરોપી તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા સોમવારે અમદાવાદની મિરઝાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસે તથ્ય પટેલના કોઈ વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. સાબરમતી જેલમાં નબીરા તથ્યને કાચા કામનો કેદી નંબર 8683 બનાવવામાં આવ્યો છે. તથ્ય પટેલનો બાપ પ્રજ્ઞેશ પટેલ પણ પહેલેથી જ સાબરમતી જેલમાં છે. આમ હવે બંન્ને બાપ-દીકરો જેલભેગા થઈ ગયા છે.
Join Our Official Telegram Channel: