Mehsana : વનરક્ષકની પરીક્ષાનું પેપરલીક થવાના ષડયંત્રનો પર્દાફાશ, જાણો કેવી રીતે આખું પેપર લીક કરવામાં આવ્યું
Paper leak : આ સમગ્ર પેપરલીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર સ્કૂલના શિક્ષક રાજુ ચૌધરી, સુપરવાઈઝર અલ્પેશ પટેલ, પ્યુન ઘનશયમ ચૌધરી અને એક શખ્સ સુમિત ચૌધરી આ ચારેયે મળી આખા ષડયંત્રને અંજામ આપ્યું.
Mehsana : મહેસાણાના ઉનાવમાં મીરા દાતાર સર્વોદય સ્કૂલમાંથી આ પેપર લીક થયું હતું. આ સ્કૂલમાંથી પેપર લીક કરવાના સુનિયોજિત ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર પેપરલીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર સ્કૂલના શિક્ષક રાજુ ચૌધરી, સુપરવાઈઝર અલ્પેશ પટેલ, પ્યુન ઘનશયમ ચૌધરી અને એક શખ્સ સુમિત ચૌધરી આ ચારેયે મળી આખા ષડયંત્રને અંજામ આપ્યું. પરીક્ષા પહેલા સ્કૂલના શિક્ષક રાજુ ચૌધરી સુમિત ચૌધરીને તેની સાથે વાહનમાં લઈને આવ્યાં હતા અને સુમિત ચૌધરીને સ્કૂલના ધાબા પર બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ધાબા પર બેસેલા સુમિત ચૌધરી પાસે કેવી રીતે પહોંચ્યું પેપર?
બપોરે પરીક્ષા શરૂ થતા જ પ્યુન ઘનશ્યામ ચૌધરી રૂમ નંબર 5 અને 7 ના સુપરવાઇઝર પાસે પહોંચ્યો અને પહેલાથી જ નક્કી કર્યા મુજબ બંને રૂમમાંથી ગેરહાજર પરીક્ષાર્થીઓના પ્રશ્નપત્ર એકઠા કર્યા અને ઘનશ્યામ પટેલે પોતાના ફોનથી પ્રશ્નપત્રના ફોટા પાડ્યા હતા. પ્રશ્નપત્રના ફોટા પાડ્યા બાદ ઘનશ્યામ પટેલે વોટ્સએપના માધ્યમથી સ્કૂલના ધાબા પર બેસેલા સુમિત ચૌધરી સુધી આ પ્રશ્નપત્ર પહોચાડ્યું.
પરીક્ષાખંડમાં આ રીતે પહોચ્યું જવાબો સાથેનું કાગળ
સ્કૂલના ધાબા પર બેસેલા સુમિત ચૌધરીને પ્રશ્નપત્ર મળતા જ તેણે ફટાફટ આ પ્રશ્નોના જવાબ એકે કાગળમાં લખી નાખ્યાં અને આ કાગળ પ્યુન ઘનશ્યામ પટેલને પહોચાડ્યું. પ્યુન ઘનશ્યામ પટેલે આ જવાબવાળા કાગળની પાંચ ઝેરોક્સ કોપી કરી અને એમાંથી એક ઝેરોક્સ કોપી રૂમ નંબર 7માં બેસેલા પરીક્ષાર્થી મનીષાબેન ચૌધરીને પહોંચાડી.
આવી રીતે બહાર આવ્યું સમગ્ર ષડયંત્ર
મનીષાબેન ચૌધરીને જવાબો મળતાં જ પરીક્ષાર્થીએ મચાવ્યો હોબાળો. પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવતા રાજુ ચૌધરીએ અન્ય વિદ્યાર્થીને ચાર- પાંચ પ્રશ્નના જવાબો લખાવ્યા સમગ્ર ઘટના સમયે સુપરવાઈઝર અલ્પેશ પટેલ ક્લાસરૂમથી બહાર ઉભા રહ્યા. બપોરના સવાથી દોઢેક વાગ્યે બે પરીક્ષાર્થી મૌલિક ચૌધરી, જગદીશ ચૌધરી પાણી પીવા બહાર નીકળ્યા પાણી પીવાના બહાને બંને પરીક્ષાર્થી સ્કૂલની સીડી પાસે પહોંચતા શિક્ષક રાજુભાઈએ જવાબોની ઝેરોક્ષ આપી અન્ય વિદ્યાર્થી રવિ મકવાણા પાણી પીવા આવતા શિક્ષકને કાપલી આપતા જોઈને ચોંકી ઉઠ્યો.
રવિ મકવાણા વિરોધ નોંધાવે તે પહેલા શિક્ષક રાજુ ચૌધરીએ તેને પણ એક ઝેરોક્ષ પકડાવી દીધી. રવિ મકવાણાએ પરીક્ષા ખંડમાં કાપલીથી જવાબો લખવાનું શરૂ કરતા અન્ય વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો રાજવીર ગઢવી, ઉર્વિશ મોદી, ભાવેશ પટેલ નામના વિદ્યાર્થીઓએ પરીક્ષા સુપરવાઈઝરનો કર્યો સંપર્ક ત્રણેય પરીક્ષાર્થીએ ગેરરિતી અંગે પરીક્ષા સુપરવાઈઝર કલ્પનાબેન ચૌધરીને વાકેફ કર્યા. પરીક્ષા સુપરવાઈઝરને જાણ થતા વિદ્યાર્થીઓ સામે કોપી કેસની કાર્યવાહી કરવામાં આવી. કાર્યવાહીની જાણ થતા સુમિત ચૌધરીએ પોતાના મોબાઈલ ફોનમાંથી પ્રશ્નપત્રના ફોટો ડિલીટ કર્યા. શિક્ષક રાજુ ચૌધરીની સૂચનાથી બાદમાં પ્યુન ઘનશ્યામ પટેલે જવાબોની કાપલી સળગાવી નાંખી. મનિષા ચૌધરીને પાસ કરાવવા શિક્ષક રાજુ ચૌધરી સહિતનાએ ગેરરિતીનું ષડયંત્ર રચ્યુ હતુ.