કોંગ્રેસની ચિંતન શિબીરઃ કોંગ્રેસમાં મોટા પરિવર્તનના એંધાણ, પરિવાર અને સંગઠન માટે લાગુ થઈ શકે છે આ નિયમો
ઉદયપુરમાં 13 થી 15 મે દરમિયાન યોજાનારી ચિંતન શિબિરથી કોંગ્રેસમાં કેટલું પરિવર્તન આવશે તે ભવિષ્ય કહેશે, પરંતુ પાર્ટીમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે.
Congress CWC Meet: ઉદયપુરમાં 13 થી 15 મે દરમિયાન યોજાનારી ચિંતન શિબિરથી કોંગ્રેસમાં કેટલું પરિવર્તન આવશે તે ભવિષ્ય કહેશે, પરંતુ પાર્ટીમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસ 'એક પરિવાર એક ટિકિટ'ની ફોર્મ્યુલા લાગુ કરી શકે છે. આ ઉપરાંત 'એક વ્યક્તિને એક પદ'નો નિયમ પણ બનાવી શકાય છે. કોંગ્રેસ સમિતિઓમાં દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને મહિલાઓને 50 ટકા હિસ્સો આપવો જોઈએ અને કોંગ્રેસ સમિતિઓનો કાર્યકાળ 3 વર્ષ માટે નક્કી કરી શકાય.
આ તમામ દરખાસ્તો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા રચાયેલી સંગઠન બાબતોની સમિતિ દ્વારા ચિંતન શિવિરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉદયપુરમાં યોજાનારી ચિંતન શિબિરમાં વ્યાપક ચર્ચા બાદ આ ફેરફારો પર મહોર મારવામાં આવશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સંગઠન સમિતિના સભ્યના જણાવ્યા અનુસાર, 'એક પરિવાર એક ટિકિટ'ના નિયમમાં એવા નેતાઓના પરિવારો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવશે જેઓ ઓછામાં ઓછા પાંચ વર્ષથી સંગઠન માટે કામ કરી રહ્યા છે. એટલે કે, 'એક પરિવાર એક ટિકિટ' નિયમ હોવા છતાં જો પરિવારમાંથી બે વ્યક્તિ સંગઠનમાં સક્રિય હોય તો બંનેને ટિકિટ માટે લાયક ગણી શકાય છે.
જે મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડ એટલે કે ગાંધી પરિવારમાંથી એકથી વધુ વ્યક્તિઓ ચૂંટણી લડી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિયમ એવા નેતાઓના પુત્ર-પુત્રીઓ માટે લાવવામાં આવી રહ્યો છે જેમની ચૂંટણી સમયે પેરાશૂટ એન્ટ્રી હોય છે, પરંતુ જો કોઈ નેતાના પરિવારના વધુ લોકો સંગઠનમાં સક્રિય હોય તો તેમની અવગણના કરી શકાય નહીં. એકંદરે ભાજપ દ્વારા કોંગ્રેસ પર લગાવવામાં આવેલા પરિવારવાદના આરોપોમાંથી મુક્તિ મેળવવાનો આ પ્રયાસ હોય એવું લાગી રહ્યું છે.
કોંગ્રેસ ભલે પ્રશાંત કિશોરને પાર્ટીમાં નથી લાવી શકી, પરંતુ PKએ કોંગ્રેસને આપેલા સૂચનોની અસર દેખાઈ રહી છે. ચૂંટણી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ચૂંટણી સંચાલનની જવાબદારી મહાસચિવને સોંપવાનો પણ પ્રસ્તાવ છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દરેક લોકસભા મતવિસ્તારમાં એક-એક નિરીક્ષકની નિમણૂક કરવાનો પ્રસ્તાવ પણ છે, આ નિરીક્ષક સીધા જનરલ સેક્રેટરી ચૂંટણી મેનેજમેન્ટને રિપોર્ટ કરશે. તેવી જ રીતે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પણ નિરીક્ષકોની નિમણૂક થઈ શકે છે. જે નેતા મુખ્ય પદ સંભાળશે પછી તેમના માટે ત્રણ વર્ષનો "કુલિંગ ઓફ પીરિયડ" રાખવાનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો છે. આ સાથે કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડને ફરીથી સક્રિય કરવા માટે વિચારણા ચાલી રહી છે.
હાલ કોંગ્રેસના નેતાઓને ચિંતન શિબીરના પરિણામોથી ઘણી આશાઓ છે. આ ચિંતન શિબીરમાં પાર્ટી હાઈકમાન્ડથી લઈને તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખ, વિધાનસભા પક્ષના નેતાઓ, વિદ્યાર્થીઓ, યુવા અને મહિલા કોંગ્રેસના હોદ્દેદારોના 400 જેટલા પ્રતિનિધિઓ તેમાં ભાગ લેવાના છે. વર્કિંગ કમિટીની બેઠકને સંબોધતા સોનિયા ગાંધીએ નેતાઓને અનુશાસન અને એકતાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, "ચિંતન શિબીર માત્ર રસમ-રિવાજ ના સાબિત થવી જોઈએ. પાર્ટીનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે." એ જોવું રસપ્રદ રહેશે કે આ ચિંતન શિબિરના મંથન દ્વારા કોંગ્રેસ કયો માર્ગ શોધે છે.