પ્રશાંત કિશોર પર કોંગ્રેસ ઓળઘોળ, પીકે માટે કોંગ્રેસ કરશે પાર્ટીમાં ઐતિહાસિક ફેરફાર
જો પ્રશાંત કિશોર કોઈ નવો રસ્તો દેખાડે તો આગામી ચૂંટણીમાં કોંગ્રેસને નવજીવન મળી શકે એમ છે. આ માટે જ કોંગ્રેસ પ્રશાંત કિશોર માટે સંગઠનમાં મોટું પદ આપવા જઈ રહી છે.
ચૂંટણીરણનીતિકાર પ્રશાંત કિશોર પર કોંગ્રેસ ઓળઘોળ થઇ છે. જો પ્રશાંત કિશોર કોઈ નવો રસ્તો દેખાડે તો આગામી ચૂંટણીમાં કોંગ્રેસને નવજીવન મળી શકે એમ છે. આ માટે જ કોંગ્રેસ પ્રશાંત કિશોર માટે સંગઠનમાં મોટું પદ આપવા જઈ રહી છે. કોંગ્રેસ પ્રશાંત કિશોર માટે સંગઠનમાં ઐતિહાસિક ફેરબદલ કરવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ કોંગ્રેસ પ્રશાંત કિશોર માટે કોમ્યુઈનકેશન હેડનો નવો જ હોદ્દો બનાવશે અને કોંગ્રેસના પ્રથમ કોમ્યુનિકેશન હેડ બનાવશે. જો કે આ માટે પ્રશાંત કિશોરની સત્તાવાર રીતે કોંગ્રેસમાં સામેલ થવાની રાહ જોવાઈ રહી છે. તો બીજી બાજુ એવી પણ ચર્ચા થઇ રહી છે કે પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાયા બાદ નરેશ પટેલ રાજકારણમાં જોડાવાનો પોતાનો નિર્ણય જાહેર કરશે.
કોમ્યુનિકેશન હેડનો હોદ્દો
જો પ્રશાંત કિશોરને કોંગ્રેસના કોમ્યુનકેશન હેડ બનાવવામાં આવે તો પાર્ટીમાં ધરમૂળથી ફેરફાર થઇ શકે એમ છે. કોમ્યુનિકેશન હેડ તરીકે પ્રશાંત કિશોરના આદેશ અનુસાર પાર્ટીના પ્રવક્તાઓ, મીડિયા ટીમે કામ કેવું પડશે, પાર્ટીના વિચાર ક્યાંય પણ રજૂ કરતા પહેલા પીકેની ટીમ સાથે ચર્ચા વિમર્શ કરવા જરૂરી બની જશે.
પહેલા જેડીયુમાં હતા પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોર 2018થી 2020 સુધી બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની પાર્ટી જનતાદળ યુનાઇટેડમાં હતા. પાર્ટીના અધ્યક્ષ નીતિશ કુમારે તેમને પાર્ટીમાં અધ્યક્ષ બાદનું સૌથી મોટું પદ એટલે કે ઉપાધ્યક્ષનું પદ આપ્યું હતું. જો કે વારંવાર પાર્ટી વિરોધી નિવેદનો આપવાને કારણે ખુદ નીતિશ કુમારે જ પ્રશાંત કિશોરને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં હતા.
અત્યાર સુધીમાં પીકેએ આ પાર્ટીઓ માટે કામ કર્યું
પ્રશાંત કિશોરે 2012માં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે વિધાનસભા ચૂંટણીમાં, 2014માં લોકસભા ચૂંટણી માટે, 2015માં બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં JDU માટે, 2017માં પંજાબમાં અને ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે, 2019માં આંધ્રમાં વિધાનસભા ચૂંટણીમાં YSRCP માટે, 2020માં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં AAP માટે, 2021માં બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં TMC માટે અને 2021માં તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણીમાં DMK માટે કામ કર્યું છે.